ખેડા જિલ્લાના નડિયાદ ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. (PTI Photo)

દેશના 78માં સ્વતંત્રતા દિવસની ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી નડીયાદમાં થઈ હતી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં લોકો રાષ્ટ્રભક્તિ અને હર્ષના આ પર્વમાં જોડાયાં હતાં.

આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યુ છે. વડાપ્રધાને આત્મનિર્ભર-વિકસિત-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે અને આ વિઝનને હાંસલ કરવા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.

ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ગુજરાતના બે મહાપુરુષ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરીને વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત સેમિકન્ડક્ટર ચિપ રાજ્યમાં બનાવવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ અને ચિપ ઉત્પાદન ક્ષેત્રોમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ આકર્ષ્યું છે.આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ એઆઈ અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રોમાં નવા રોકાણને આકર્ષવામાં મહત્વની હતી. અમે અત્યાર સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં રૂ.1 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કર્યું છે અને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ ગુજરાતમાં બનાવવામાં આવશે.

આ પ્રસંગે, તેમણે કેન્દ્રની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશન મેળવવા માંગતા લોકો માટે માસિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી હતી.હાલમાં, 15,000 રૂપિયાની માસિક આવક ધરાવતો પરિવાર આ યોજના હેઠળ મફત અનાજ મેળવવા માટે પાત્ર છે.જાન્યુઆરીમાં, પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો કાર્યકાળ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો જેથી કરીને ગરીબ લોકોને મફત અનાજ મળી રહે. આ યોજના હેઠળ વધુ લોકોને આવરી લેવા માટે, હું માસિક આવક મર્યાદા રૂ.15,000થી વધારીને રૂ.20,000 કરવાની જાહેરાત કરું છું.

રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને વિસ્તૃત કરવા માટે, મુખ્યમંત્રીએ 5,000 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY