વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ્સ 2024નો પહેલી જુલાઈથી લંડનના ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ અને ક્રોક્વેટ ક્લબ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. ટેનિસ જગતના આ પ્રતિષ્ઠિત ટાઇટલ માટે કાર્લોસ અલ્કારાઝ, જેનિક સિનર, જોકોવિક વચ્ચે મુકાબલો થશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ પ્રથમ દિવસે મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં એસ્ટોનિયન ક્વોલિફાયર માર્ક લાજલનો સામનો કરશે. ટોચના ક્રમાંકિત અને વિશ્વ નંબર 1 જેનિક સિનર જર્મનીના યાનિક હેનફમેન સામે તેના અભિયાનની શરૂઆત કરશે.
વિમેન્સ સિંગલ્સમાં બીજી ક્રમાંકિત કોકો ગૉફનો સામનો અમેરિકાની સાથી કેરોલિન ડોલેહાઇડ સાથે થશે, જ્યારે ત્રીજી ક્રમાંકિત આરિના સાબાલેન્કા યુએસએની એમિના બેકટાસ સામે ટકરાશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ તેનો ખિતાબ જાળવી રાખવા પ્રયાસ કરશે. તેનો મુખ્ય હરીફ નોવાક જોકોવિચને બદલે વિશ્વનો નંબર વન જેનિક સિનર હોવાની અપેક્ષા છે.
મહિલા સિંગલ્સમાં પોલેન્ડની ટોચની ક્રમાંકિત ખેલાડી ઇગા સ્વાઇટેક પ્રથમ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ હાંસલ કરવા પ્રયાસ કરશે. 14 જુલાઇએ પૂર્ણ થનારી આ ટુર્નામેન્ટમનો પ્રારંભ સિંગલ મેચો સાથે થશે. ત્રીજા દિવસે ચાહકો ડબલ્સ મેચો માણી શકશે. જો 21 વર્ષીય સ્પેનિયાર્ડ અલ્કારાઝ વિજયી બનશે તો ફ્રેન્ચ ઓપન પછી સતત બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હશે અને તેના જીવનનું ચોથી મોટું ટાઇટલ હશે.2013 અને 2016માં વિજેતા એન્ડી મરેની જેમ સાત વખતનો ચેમ્પિયન જોકોવિચ પણ ઈજાને કારણે શંકાસ્પદ છે.
22 વર્ષ પછી પ્રથમ વાર ‘બિગ ફોર’ વગરની ફાઇનલ રમાશે
આઠ વખતના ચેમ્પિયન રોજર ફેડરરે નિવૃત્તિ લઈ લીધી છે. બે વખતનો વિજેતા રાફેલ નડાલ ઓલિમ્પિક પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટુર્નામેન્ટમાં સામેલ થયો નથી. સાત વખતના ચેમ્પિયન નોવાક જોકોવિકે તાજેતરમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી તથા 2013 અને 2016માં વિજેતા બનેલા એન્ડી મરેની પીઠનું ઓપરેશન થયું હતું. તેથી 22 વર્ષમાં આ પ્રથમ વિમ્બલડન પુરૂષોની ફાઈનલ હોઈ શકે છે જેમાં ‘બિગ ફોર’માંથી કોઈ એક પણ સામેલ ન હોય. 37 વર્ષીય જોકોવિચ ગયા વર્ષે અલ્કારાઝ સામે પાંચ સેટની રોમાંચક ફાઇનલમાં હારી ગયો હતો. આ વર્ષે સિનરે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું