પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની અગાઉની જાહેરાત મુજબ જ મેક્સિકો, કેનેડા અને ચીન પર મંગળવાર, 4 માર્ચથી ટેરિફમાં વધારો કર્યો હતો. ચીન, કેનેડા અને મેક્સિકોએ પણ વળતા પગલાં લઇને અમેરિકાની પ્રોડક્ટ્સ પરની ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ચીનની પ્રોડક્ટ્સ પરની ડ્યૂટીને બમણી એટલે કે 20 ટકા કરી હતી, જ્યારે મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25 ટકા નવી ડ્યૂટી લાદી છે. અહીં ઉલ્લેખનીય છે કે કેનેડા, મેક્સિકો અને ચીન હાલમાં અમેરિકાના ટોચના ત્રણ વેપાર ભાગીદાર દેશો છે. ટ્રમ્પના આ ટેરિફ વોરથી સમગ્ર વિશ્વના અર્થતંત્રને અસર થવાનું જોખમ છે.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે જણાવ્યું હતું કે કેનેડા મંગળવારથી અમેરિકાની પ્રોડક્ટ્સ પર વળતી ટેરિફ લાદશે. મેક્સીકન પ્રેસિડન્ટ ક્લાઉડિયા શીનબૌમે પણ ટ્રમ્પના પગલાંનો જવાબ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારી પાસે પ્લાન B, C, D તૈયાર છે.”

ટ્રુડોએ સોમવારે જણાવ્યું હતું કે વોશિંગ્ટનના પગલાં માટે કોઈ વાજબી કારણ નથી અને મંગળવારથી યુએસથી થતી આયાત પર ટેરિફ લાદીશું. યુએસ દ્વારા લાદવામાં આવેલી ટેરિફને કારણે અમેરિકનો કરિયાણા, ગેસ અને કાર માટે વધુ ચૂકવણી કરશે અને સંભવિત રીતે હજારો નોકરીઓ ગુમાવશે. ટેરિફ બંને દેશો વચ્ચેના સફળ વેપાર સંબંધો સામે અવરોધ ઊભો કરશે. તે પ્રેસિડન્ટ ટ્રમ્પે તેમના ગયા કાર્યકાળમાં કરી હતી તે વેપાર સમજૂતીનું ઉલ્લંઘન હશે. તેમનો દેશ મંગળવારથી મધ્યરાત્રિથી અમેરિકાના 30 બિલિયન ડોલરની પ્રોડક્ટ્સ ટેક્સ લાદશે. આ પછી આગામી 21 ટકા દિવસમાં 155 બિલિયન ડોલરની અમેરિકની પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદશે.

ચીને પણ ટ્રમ્પના પગલાંનો ત્વરિત વળતો જવાબ આપી અમેરિકન કૃષિ અને ખાદ્ય પ્રોડક્ટ્સ સહિતની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં 10થી 15 ટકાનો વધારો જાહેર કર્યો હતો. ચીન અમેરિકાની 25 કંપનીઓ પર નિકાસ અને રોકાણના નિયંત્રણો પણ લાદ્યાં હતાં.

ચીનના નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “બેઇજિંગ 10 માર્ચથી યુએસ ચિકન, ઘઉં, મકાઈ અને કપાસ પર વધારાની 15 ટકા ટેરિફ લાદશે તથા યુએસ સોયાબીન, જુવાર, ડુક્કરનું માંસ, બીફ, દરિયાઈ પ્રોડક્ટ્સ, ફળો અને શાકભાજી અને ડેરીની આયાત પર વધારાની 10 ટકા ટેક્સ વસૂલાત કરશે.”

એક અલગ નિવેદનમાં ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે અમેરિકાની એકપક્ષીય ટેરિફ વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું ગંભીરપણે ઉલ્લંઘન કરે છે તથા ચીન અને યુએસ વચ્ચેના આર્થિક અને વેપાર સહકારના પાયાને નબળો પાડે છે. ચીન તેના કાયદેસરના અધિકારો અને હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે.

ટ્રમ્પે ચીનના સ્માર્ટફોન, લેપટોપ, વીડિયોગેમ કોન્સોલ, સ્માર્ટવોચ, સ્પીકર્સ અને બ્લૂટુથ ડિવાઇસ સહિતની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર 20 ટકા આયાત જકાત લાદી છે. અમેરિકાની દલી છે ચીન ફેન્ટાનાઇલના ઉત્પાદનમાં વપરાતા રસાયણો સપ્લાય કરે છે. ચીને કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે.
વૈશ્વિક શેરબજારોમાં ગાબડા

મેક્સિકો અને કેનેડા પર ટેરિફ પૂર્વનિર્ધારિત તારીખ મુજબ મુજબ અમલમાં આવશે તેવી સોમવારે ટ્રમ્પની સ્પષ્ટતા પછી વૈશ્વિક શેરબજારોમાં ભારે ગાબડા પડ્યા હતાં. વિશ્વના ફાઇનાન્શિયલ માર્કેટમાં પણ ઉથલપાથલ જોવા મળી હતી. અમેરિકા સહિતના વિશ્વભરતના શેરબજારો ગબડ્યા હતા.મેક્સીકન પેસો અને કેનેડિયન ડોલર પણ તૂટ્યાં હતાં.

યુએસ પ્રમુખે કહ્યું હતું કે કેનેડા અને મેક્સિકોથી આયાત પર 25 ટકા અમેરિકન ટેરિફ મંગળવારથી અમલમાં આવશે. ટ્રમ્પે એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે તે યુ.એસ.માં ફેન્ટાનાઇલની નિકાસમાં રોકવામાં નિષ્ફળ રહેવા બદલ બેઇજિંગને પર ટેરિફ વધારીને 20 ટકા કરશે. ટેરિફને ટાળવા માટેની સમજૂતી કરવાનો કોઇ અવકાશ બાકી રહ્યો નથી.

LEAVE A REPLY