રિયો ડી જાનેરોમાં, સોમવાર, 18 નવેમ્બર, 2024 ના રોજ, G20 સમિટની દરમિયાન યુકેના વડા પ્રધાન કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. IMAGE VIA PMO(PTI Photo)

બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પછી યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરે જાહેરાત કરી હતી કે નવા વર્ષમાં ભારત સાથે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવામાં આવશે.

સ્ટાર્મર અને મોદીની બેઠક પછી ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે યુકે ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી કરશે, જેમાં વેપાર કરાર તેમજ સુરક્ષા, શિક્ષણ, ટેક્નોલોજી અને ક્લાઈમેટ ચેન્જ જેવા ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાનો સમાવેશ થાય છે. ભારત સાથેની નવી વેપાર સમજૂતિથી યુકેમાં રોજગારીનું સર્જન થશે અને આર્થિક સમૃદ્ધિને મદદ મળશે. સમગ્ર દેશમાં વિકાસ અને તકો પૂરી પાડવાના અમારા મિશનનું તે એક મહત્ત્વનું પગલું હશે.

સ્ટાર્મરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુકે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક ભારત સાથે વેપાર સોદાની વાટાઘાટો કરવા પ્રતિબદ્ધ છે.

સ્ટાર્મર સાથેની બેઠકને “અત્યંત ફળદ્રુપ” ગણાવીને મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે યુકે સાથે સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી ભારત માટે ઉચ્ચ પ્રાથમિકતા છે. આગામી વર્ષોમાં અમે ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, સુરક્ષા, નવીનતા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નજીકથી કામ કરવા આતુર છીએ. અમે વેપાર તેમજ સાંસ્કૃતિક જોડાણોમાં પણ મજબૂતાઈમાં ઉમેરવા માંગીએ છીએ,

ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ કહ્યું હતું કે આ દ્વિપક્ષીય બેઠકે ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવો વેગ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિયોમાં બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરને મળ્યા હતાં. બંને નેતાઓએ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચાવિચારણા કરી હતી. તેઓએ સંતુલિત અને પરસ્પર લાભદાયી FTAની જરૂરિયાતને પણ સ્વીકારી હતી.

દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતુ કે સ્ટાર્મર G20 સમિટ માટે બ્રાઝિલની તેમની સફરનો ઉપયોગ વિશ્વની અગ્રણી આર્થિક શક્તિઓ સાથેના સંબંધોને મજબૂત કરવા અને બ્રિટિશ લોકો માટે વિકાસને વેગ આપવા માટે કરી રહ્યા હતા.
ભારત-યુકે વેપાર વાટાઘાટો પર ડાઉનિંગ સ્ટ્રીટે ખુલાસો કર્યો કે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ (DBT) ટૂંક સમયમાં સરકારની નવી વેપાર વ્યૂહરચનાનું અનાવરણ કરશે જે તેની ઔદ્યોગિક વ્યૂહરચના સાથે સુસંગત હશે. યુકેના બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને યુકે માટે મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે. અમારું માનવું છે કે બંને વચ્ચે એક સારો સોદો થવાનો છે જે બંને દેશો માટે કામ કરશે.

ભારત અને યુકે જાન્યુઆરી 2022થી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાટાઘાટો કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં બંને દેશોમાં સામાન્ય ચૂંટણીઓ કારણે વાટાઘાટો અટકી પડી હતી. તાજેતરના આંકડા અનુસાર, જૂનથી 12 મહિનામાં દ્વિપક્ષીય વેપાર સંબંધો 42 બિલિયન પાઉન્ડના હતાં. FTAથી તેમાં મોટો વધારો થવાની ધારણા છે.

LEAVE A REPLY