
વડા પ્રધાન કેર સ્ટાર્મરે લંડનમાં યુકે માટેના તેમના ખાસ દૂત માર્ક બર્નેટ સાથેની મુલાકાત દરમિયાન અને આ મહિનાના અંતમાં અમેરિકાની પ્રસ્તાવિત મુલાકાત પહેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અચાનક ફોન પર વાતચીત કરી હતી. આ મુલાકાતમાં વેપાર, ટેરિફ, રશિયા-યુક્રેન સંઘર્ષ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ સહિતના વિવિધ મુદ્દાઓને આવરી લેવાની અપેક્ષા છે.
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “વડાપ્રધાન ગઈકાલે રાત્રે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યુકે માટેના પ્રેસિડેન્ટ ટ્રમ્પના ખાસ દૂત માર્ક બર્નેટ સાથે મુલાકાત કરીને ખુશ થયા છે. તે દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી તેમની અમેરિકાની આગામી મુલાકાત અંગે ચર્ચા કરી હતી. તેમણે યુએસ અને યુકે વચ્ચેના વેપાર, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક બાબતોમાં વધુ મજબૂત સહયોગની વિશાળ સંભાવના પર ભાર મૂક્યો હતો અને સાથે મળીને કામ કરવા આતુર હતા.”
30 વર્ષ પહેલાં ડાઉનિંગ સ્ટ્રીટમાં વેઇટ્રેસ તરીકે તેમની માતાના પાર્ટ-ટાઇમ કામના અનુભવનો ઉલ્લેખ કરી બર્નેટે યુકે સાથેના તેમના અંગત સંબંધો બાબતે લાગણીશીલ બન્યા હતા.
આ બેઠક દ્વિપક્ષીય સંબંધો માટે એક મહત્વપૂર્ણ તબક્કે આવી રહી છે, જેમાં ટ્રમ્પ સંભવિત “પારસ્પરિક ટેરિફ”ની ગણતરી કરવા માટે VATનો સમાવેશ કરવા માંગે છે.
સ્ટાર્મરે ટ્રમ્પ સાથેની પ્રથમ સત્તાવાર ફોન વાતચીતમાં ગાઝામાં “સીમાચિહ્નરૂપ” ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ સુરક્ષિત કરવામાં તેમની ભૂમિકા બદલ અમેરિકન રાષ્ટ્રપતિની સરાહના કરી હતી. તો ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે ‘’મને લાગે છે કે સ્ટાર્મરે અત્યાર સુધી ખૂબ સારું કામ કર્યું છે.’’
આ અગાઉ સ્ટાર્મરે સપ્ટેમ્બર 2024માં ન્યૂ યોર્કના ટ્રમ્પ ટાવર ખાતે ખાનગી ડીનર વખતે ટ્રમ્પને મળ્યા હતા.
