
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને “સરમુખત્યાર” ગણાવ્યા બાદ બ્રિટિશ વડા પ્રધાન કેર સ્ટાર્મરે વોલોડીમીર ઝેલેન્સકીને ફોન કરી ટેકો આપ્યો હતો.
બુધવારે રાત્રે કરાયેલા કોલ બાદ ડાઉનિંગ સ્ટ્રીટના એક નિવેદનમાં જણાવાયું હતું કે “વડાપ્રધાન (સ્ટાર્મરે) યુક્રેનના લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા તરીકે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે યુદ્ધ દરમિયાન ચૂંટણીઓ સ્થગિત કરવી સંપૂર્ણપણે વાજબી છે. યુકેએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આમ કર્યું હતું. વડાપ્રધાને યુક્રેનમાં કાયમી શાંતિ મેળવવા માટે યુએસના નેતૃત્વ હેઠળના પ્રયાસો માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો જે રશિયાને ભવિષ્યમાં કોઈપણ આક્રમણથી અટકાવશે.”
ઝેલેન્સકીનો પાંચ વર્ષનો કાર્યકાળ ગયા વર્ષે મે મહિનામાં પૂર્ણ થયો હોવા છતા રશિયા સાથેના યુધ્ધને કારણે માર્શલ લો હેઠળ ચૂંટણીઓ સ્થગિત કરાઇ છે.
સ્ટાર્મરની ઝેલેન્સકી સાથેની વાતચીત દરમિયાન યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે “યુકેનો ટેકો ખરેખર મહત્વપૂર્ણ છે, અને અમે બ્રિટિશ લોકોએ યુક્રેન અને અમારા નાગરિકો માટે જે આદર બતાવ્યો છે તે ક્યારેય ભૂલીશું નહીં.”
આગામી દિવસોમાં સ્ટાર્મર અને ટ્રમ્પની મુલાકાત વખતે આ વાત સ્થાન મેળવે તેવી અપેક્ષા છે. જે પછી યુકે યુરોપિયન યુનિયન (EU) ના નેતાઓ સાથે યુક્રેન સમિટનું આયોજન કરવા પર પણ કામ કરી રહ્યું હોવાનું કહેવાય છે.
સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’યુકે રશિયા સાથે શાંતિ કરાર કરવા માટે યુકેમાં સૈનિકો મૂકવા માટે તૈયાર છે, જે તેમના મતે દેશ અને યુરોપિયન ખંડની સુરક્ષા માટે “પેઢીગત પડકાર” છે. પ્રસ્તાવિત શાંતિ રક્ષા દળમાં સામેલ ભૂમિ સૈનિકોની સંખ્યા 30,000 થી ઓછી હશે અને તેનો ઉદ્દેશ્ય યુક્રેનિયનોને ખાતરી આપવાનો છે.’’
વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડેનોકે સોશિયલ મીડિયા પર ઝેલેન્સકીને “યુક્રેનના લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા કહી તેમણે બહાદુરીથી પુતિનના ગેરકાયદેસર આક્રમણનો સામનો કર્યો હોવાનું વર્ણવ્યું છે.
ટ્રમ્પે ઝેલેન્સકીની આકરી ટીકા એવા સમયે કરી છે જ્યારે યુક્રેનિયન નેતાએ અમેરિકન રાષ્ટ્રપતિ પર રશિયાની ખોટી માહિતીના “પરપોટા”માં જીવવાનો આરોપ લગાવ્યો છે.
