દેશની વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ વાણી સ્વાતંત્ર્ય અને ખોટા કામો સામે કાર્યવાહીને પ્રતિબંધિત કરવાનો ભય હોવાથી વડા પ્રધાન કેર સ્ટાર્મરને ઇસ્લામોફોબિયાની સત્તાવાર વ્યાખ્યા માટેની સરકારી યોજનાઓ રદ કરવા માટે હાકલ કરી છે.
ટેસ્લાના વડા ઇલોન મસ્કે X પર એક દાયકા કરતાં વધુ સમય પહેલાં ઇંગ્લેન્ડના અનેક નગરો અને શહેરોમાં યુવાન છોકરીઓના જાતીય શોષણ સામે બ્રિટિશ સરકારના પગલા અંગે ગંભીર ટીકાત્મક ટિપ્પણીઓ કરતા આ મુદ્દા પર નવેસરથી ચર્ચા શરૂ થઇ છે.
‘લેબર પાર્ટી સરકાર મુસ્લિમ વિરોધી ભેદભાવની ઔપચારિક વ્યાખ્યા પર વિચાર કરી રહી છે’ તેવા ધ ડેઇલી ટેલિગ્રાફ અખબારના અહેવાલોને પગલે શેડો જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે ‘’ઇસ્લામોફોબિયાના ‘ખોટા લેબલ’ને કારણે પાકિસ્તાની મૂળના પુરુષોની જેમાં સંડોવણી છે તે ચાઇલ્ડ એબ્યુઝ ગૃમીંગ ગેંગ કૌભાંડની તપાસમાં અવરોધ ઊભો થયો છે. સરકારે ઇસ્લામોફોબિયાની આટલી ખામીયુક્ત વ્યાખ્યા માટેની તેની યોજનાઓ રદ કરવી જોઈએ. ગ્રુમિંગ ગેંગ કૌભાંડ દરમિયાન ઇસ્લામોફોબિયાના ખોટા લેબલનો ઉપયોગ લોકોને ચૂપ કરવા માટે કરવામાં આવ્યો હતો. સરકાર એવી વ્યાખ્યા સાથે આગળ વધવા માટે કટિબદ્ધ છે જે વાણી સ્વાતંત્ર્ય પર ઠંડી અસર કરશે.”
સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટોરી સાંસદ જેનરિકે જણાવ્યું હતું કે “દશકાઓથી મુખ્યત્વે બ્રિટિશ-પાકિસ્તાની પુરુષો દ્વારા કરવામાં આવેલા સૌથી ભયાનક ગુનાઓને કાયદેસર બનાવવામાં આવ્યા હતા અને અવ્યવસ્થાને રોકવા માટે તે ગુનાઓને સક્રિયપણે ઢાંકવામાં આવ્યા હતા. ડાઇવર્સીટી આપણી શક્તિ છે એ માન્યતાને ટકાવી રાખવા કાયદાના શાસનને છોડી દેવાયું હતું. જેને કારણે હજારો સંવેદનશીલ શ્વેત કામદાર વર્ગની છોકરીઓના જીવનનો નાશ થયો છે. આ માટે જવાબદાર વિદેશી નાગરિકોને દેશનિકાલ કરવા જોઈએ અને તેમના ગુનાઓને છુપાવનાર અધિકારીઓને તેમની ભયાનક કાયરતા માટે જેલમાં મોકલવા જોઈએ. જો કે તે પણ ભોગ બનેલા પીડિતો માટે પૂરતું નહીં હોય.”
2018 માં, બ્રિટિશ મુસ્લિમો માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) એ ઇસ્લામોફોબિયાને “રેસીઝમના પ્રકાર” તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું જે મુસ્લિમનેસની અભિવ્યક્તિઓને લક્ષ્ય બનાવે છે.
ગયા વર્ષે, નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન્સ (NSO) એ એન્જેલા રેનરને પત્ર લખીને સરકાર દ્વારા ઇસ્લામોફોબિયાની આ “ખામીયુક્ત” બિનસત્તાવાર વ્યાખ્યાને કાયદામાં સમાવિષ્ટ કરવા સામે ચેતવણી આપી હતી. પત્રમાં કહેવાયું હતું કે “આ વિવાદિત વ્યાખ્યાને કાયદામાં અપનાવવાથી વાણી સ્વાતંત્ર્ય પર ગંભીર અસરો પડશે, ખાસ કરીને ઐતિહાસિક સત્યોની ચર્ચા કરવાની ક્ષમતા પર… ‘ઈસ્લામોફોબિયા’ ની ખામીયુક્ત વ્યાખ્યા સાથે ગુનાખોરીને લક્ષ્ય બનાવવું, પ્રતિકૂળ રહેશે અને એવા કોઈ પુરાવા નથી કે તે કોઈપણ સંજોગોમાં મુસ્લિમ વિરોધી દ્વેષ ઘટાડશે.”
ફેઇથ મિનીસ્ટર લોર્ડ વાજિદ ખાને જવાબ આપ્યો હતો કે “APPG દ્વારા પ્રસ્તાવિત વ્યાખ્યા સમાનતા અધિનિયમ 2010 સાથે સુસંગત નથી, જે રંગ, રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય અથવા વંશીય મૂળના સંદર્ભમાં જાતિને વ્યાખ્યાયિત કરે છે”.