વડા પ્રધાન કેર સ્ટાર્મરે તા. 5ના રોજ તેમની લેબર પાર્ટીની સરકાર “પરિવર્તન માટેની યોજના” દ્વારા તેમના રાષ્ટ્રીય મિશનને કેવી રીતે જનતા સુધી પહોંચાડશે તે જણાવતા છ “માઈલસ્ટોન” નક્કી કર્યા છે. તેમાં જીવનધોરણ વધારવા અને નેશનલ હેલ્થ સર્વિસ (NHS) હોસ્પિટલના બેકલોગને સમાપ્ત કરવાનો સમાવેશ થાય છે. સરકારના દરેક છ લક્ષ્યાંકો સામેની પ્રગતિને ટ્રેક કરવા માટે આ યોજના બનાવવામાં આવી છે.
બકિંગહામશાયરમાં પાઈનવુડ સ્ટુડિયોમાં બોલતા, વડા પ્રધાને કહ્યું હતુ કે “આ સરકાર કામ કરતા લોકો માટે વાસ્તવિક પરિવર્તન લાવવા માટે ચૂંટાઈ હતી. અમે અમારી ‘પરિવર્તન માટેની યોજના’ એકલા આપી શકતા નથી. રાષ્ટ્રીય નવીકરણના એક દાયકા માટે આપણા બધાની કુશળતા અને નિશ્ચયની જરૂર પડશે.”
તેમણે દાવો કર્યો હતો કે આ યોજના અર્થતંત્રને સ્થિર કરવા, NHS માટે વધારાના £26 બિલિયન સુરક્ષિત કરવા અને બોર્ડર સિક્યુરિટી કમાન્ડ શરૂ કરવા માટેના સરકારના પગલાંને અનુસરે છે. ગેરકાયદેસર ઇમીગ્રેશનનો સામનો કરવો પણ જરૂરી છે. તે કરવું અમારી ફરજ છે અને અમે તે કરીશું.”
સ્ટાર્મરે તેમની સરકાર માટે જે છ લક્ષ્યો નિર્ધારિત કર્યા છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે.
- યુકેના દરેક ભાગમાં જીવનધોરણને વધારવું – G7 માં સર્વોચ્ચ સતત વૃદ્ધિ પહોંચાડવાનું લક્ષ્ય.
- બ્રિટનનું પુનઃનિર્માણ – ઈંગ્લેન્ડમાં 1.5 મિલિયન ઘરોનું નિર્માણ અને ઓછામાં ઓછા 150 મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ઝડપી આયોજનના નિર્ણયો લેવા.
- NHS હોસ્પિટલના બેકલોગનો અંત – 92% દર્દીઓ 18 મહિનાથી વધુ રાહ જોવી પડશે નહીં.
- પોલીસને બીટ પર પાછી મૂકવી – દરેક નેઇબરહૂડ માટે 13,000 વધારાના અધિકારીઓ મૂકવા.
- બાળકોને જીવનની શ્રેષ્ઠ શરૂઆત આપવી – ઈંગ્લેન્ડમાં પાંચ વર્ષના 75% બાળકો જ્યારે શાળા શરૂ કરશે ત્યારે તેઓ શીખવા માટે તૈયાર હશે.
- 2030 સુધીમાં યુકેને ઓછામાં ઓછા 95% ક્લીન પાવરના ટ્રેક પર મૂકવું.