વિશ્વની સૌથી મોટી કોફી ચેઇન કંપની સ્ટારબક્સે લક્ષ્મણ નરસિમ્હનને સ્થાનને સીઇઓ તરીકે ચિપોટલ મેક્સિન ગ્રીલના વડા બ્રાયન નિકોલની નિયુક્તિની મંગળવારે જાહેરાત કરી હતી. વેચાણમાં થઈ રહેલા ઘટાડા વચ્ચે કંપનીએ ટોચના મેનેજમેન્ટમાં આ ફેરફાર કર્યા છે.
નરસિમ્હન ગયા વર્ષના એપ્રિલમાં કંપનીના સીઇઓ બન્યાં હતાં. નરસિમ્હનની વિદાય તાકીદની અસરથી કરાઈ છે. સ્ટારબક્સના સીએફઓ રશેલ રુગેરી 9 સપ્ટેમ્બર સુધી વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કાર્ય કરશે. આ પછી નિકોલ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળશે.
કોફી જાયન્ટનો દેખાવ આ વર્ષે નબળો રહ્યો છે. તેના બે સૌથી મોટા બજારો યુએસ અને ચીનમાં નબળા વેચાણને કારણે નુકસાન થયું છે. તાજેતરના ક્વાર્ટરમાં સ્ટારબક્સે સેમ-સ્ટોર વેચાણમાં 3% ઘટાડો નોંધાવ્યો હતો.વેચાણમાં વધારો કરવા માટે કંપની પર દબાણ વધી રહ્યું હતું. એક્ટિવિસ્ટ રોકાણકાર ઇલિયટ મેનેજમેન્ટે તાજેતરના અઠવાડિયામાં કંપનીમાં હિસ્સો ખરીદ્યો હતો.
નરસિમ્હનના કાર્યકાળ દરમિયાન સ્ટારબક્સના શેરમાં 21%નો ઘટાડો થયો હતો, જોકે મંગળવારે નવા સીઇઓની નિયુક્તિના ન્યૂઝથી શેરમાં ઉછાળો આવ્યો હતો. સ્ટારબક્સમાં જોડાતા પહેલા નરસિમ્હન રેકિટના ચીફ એક્ઝિક્યુટિવ હતા, જે લાઇસોલ અને મ્યુસીનેક્સ જેવી બ્રાન્ડની માલિકી ધરાવે છે. બ્રાયન નિકોલ 2018થી ચિપોટલના સીઈઓ તરીકે કામગીરી કરે છે અને અગાઉ યમ બ્રાન્ડના વડા હતાં. ચિપોટલ ખાતેના તેમના કાર્યકાળમાં શેરમાં 773% જંગી વધારો થયો હતો.