
ચાન્સેલર ઓફ એક્સચેકર રેચલ રીવ્સે 26 માર્ચના રોજ તેમના સ્પ્રિંગ બજેટમાં વેલ્ફેર કટથી લઈને 10,000 સિવિલ સર્વન્ટ્સની નોકરીઓમાં ઘટાડા અને યુકેના સંરક્ષણ ખર્ચમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમણે ખર્ચમાં કાપના આગામી લોટ અને નવીનતમ અર્થતંત્રના આંકડાઓની રૂપરેખા આપી હતી. જો કે તેમણે કરમાં કોઈ વધારો જાહેર કર્યો ન હતો.
યુકેના અર્થતંત્રના વિકાસ માટેની પોતાની યોજનાઓ રજૂ કરતા, શ્રીમતી રીવ્સે કહ્યું હતું કે “લેબર સરકાર આપણા દેશમાં પરિવર્તન લાવવા માટે ચૂંટાઈ આવી હતી. માત્ર નવ મહિનામાં અમે જે કર્યું છે તેના પર મને ગર્વ છે. હવે અમારું કાર્ય આપણી નજર સમક્ષ બદલાતી દુનિયામાં બ્રિટનના ભવિષ્યને સુરક્ષિત કરવાનું છે. એક જવાબદાર સરકારનું કામ પાછળ હટવાનું નથી પણ આગળ વધવાનું છે.”
રીવ્સે જાહેરાત કરી હતી કે વેલ્ફેર પ્રણાલીમાં સુધારો કરવાથી £4.8 બિલિયનની બચત થશે. તેમણે દાયકાના અંત સુધીમાં સરકાર ચલાવવાના ખર્ચમાં 15%નો ઘટાડો કરવાની યોજના અંતર્ગત સ્વૈચ્છિક નિવૃત્તી આપી સિવિલ સર્વિસનું કદ ઘટાડવાની જાહેરાત કરી હતી. જેને કારણે લગભગ 10,000 નોકરીઓ જવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ ખર્ચ 2.5% સુધી વધશે જેને વિદેશી સહાયમાં ઘટાડાથી આંશિક રીતે મદદ મળશે.
તેમણે કહ્યું હતુ કે લેબર સરકાર કરચોરી પર કડક કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે અને દર વર્ષે કર છેતરપિંડી કરનારાઓની સંખ્યામાં 20% વધારો કરવાની યોજના ઘડી રહ્યા છે. તેને કારણે લગભગ £7.5 બિલિયન આવક વધશે.
ઓબીઆરનો ઉલ્લેખ કરતા, શ્રીમતી રીવ્સે કહ્યું હતું કે યુકેનો વિકાસ દર વર્ષે વધશે.
સ્પ્રિંગ સ્ટેટમેન્ટ 2025: મુખ્ય મુદ્દાઓ એક નજર
ચાન્સેલર રેચલ રીવ્સે હાઉસ ઓફ કોમન્સમાં તેમના સ્પ્રિંગ સ્ટેટમેન્ટ દરમિયાન યુકેના અર્થતંત્ર માટે તેમની યોજનાઓ રજૂ કરી છે. તેમાં સમાવાયેલા મુખ્ય મુદ્દાઓનો સારાંશ આ મુજબ છે.
વેલ્ફેરમાં ફેરફારો
- ગયા અઠવાડિયે જાહેર કરાયેલા પગલાં હેઠળની આરોગ્ય સંબંધિત યુનિવર્સલ ક્રેડિટ એપ્રિલ 2026થી £97થી ઘટાડીને £50 પ્રતિ સપ્તાહ કરવાની હતી. હવે તે 2030 સુધી ફુગાવા સાથે વધશે નહીં.
- 22 વર્ષથી ઓછી ઉંમરના લોકો હવે આરોગ્ય સંબંધિત યુનિવર્સલ ક્રેડિટ માટે દાવો કરી શકશે નહીં.
- ગયા અઠવાડિયે જણાવ્યા મુજબ હાલના દાવેદારો માટેની આરોગ્ય સંબંધિત ચુકવણીઓ 2030 સુધી £97 પ્રતિ સપ્તાહ પર સ્થિર રહેશે. સૌથી ગંભીર સ્થિતિ ધરાવતા લોકો માટે નવી ટોપ-અપ ચુકવણી પછીથી રજૂ કરાશે.
- યુનિવર્સલ ક્રેડિટ માટેનું પ્રમાણભૂત ભથ્થું 2030 સુધીમાં £14 પ્રતિ સપ્તાહ વધશે.
- નવેમ્બર 2026થી મેઇન ડીસેબીલીટી બેનિફીટ માટેની પર્સનલ ઇન્ડિપેન્ડન્ટ પેયમેન્ટ્સ (Pips) માટે કડક એલીજીબીલીટી ટેસ્ટ થશે.
આર્થિક આગાહીઓ
- ઓફિસ ઓફ બજેટ રીસ્પોન્સીબીલીટી (OBR) એ આ વર્ષ માટેનો અનુમાનિત વૃદ્ધિ દર 2% થી ઘટાડીને 1% કર્યો છે. પરંતુ તેણે 2026 માટે અનુમાનિત વૃદ્ધિ દર 1.9%, 2027 માટે 1.8%, 2028 માટે 1.7% અને 2029 માટે 1.8% જાહેર કર્યો છે.
- આ વર્ષે ફુગાવો સરેરાશ 3.2% રહેવાની આગાહી છે, જે અગાઉના આગાહી 2.6% થી વધુ છે. તે 2026 માં 2.1% પર પાછો ફરશે અને 2027માં સરકારના 2% ના લક્ષ્યને સ્પર્શ કરશે.
હાઉસિંગ
- ગયા વર્ષે જાહેર કરાયેલ ઇંગ્લેન્ડની પ્લાનિંગ સીસ્ટમમાં થયેલા ફેરફારોને પગલે OBR એ અંદાજ લગાવ્યો છે કે પાંચ વર્ષમાં 170,000 ઘરોનું નિર્માણ થશે. જેને કારણે 2030 સુધીમાં અર્થતંત્રનું કદ 0.2% અને 2035 સુધીમાં 0.4% વધવાની આગાહી છે
- બાંધકામ ક્ષેત્રમાં કામદારોને તાલીમ આપવા માટે હાલની યોજનાઓને વેગ આપવા માટે ઇંગ્લેન્ડમાં ચાર વર્ષમાં £625 મિલિયન ખર્ચવામાં આવશે
સંરક્ષણ અને વિદેશી સહાય
- આવતા વર્ષે સંરક્ષણ ખર્ચ £2.9 બિલિયન વધવાનો હતો, તેમાં વધુ £2.2 બિલિયનનો વધારો થશે.
- ટ્રેઝરી કહે છે કે આનાથી લશ્કરી ખર્ચ આગામી વર્ષે રાષ્ટ્રીય આવકના 2.36% સુધી પહોંચશે.
- મંત્રીઓ કહે છે કે 2027માં વિદેશી સહાય – કુલ રાષ્ટ્રીય આવકના 0.5% થી 0.3% સુધી ઘટાડીને અને ટ્રેઝરીના અનામતમાંથી ખર્ચ ભંડોળ પૂરું પાડવામાં આવશે.
જાહેર સેવાઓ
- 2030 સુધીમાં દૈનિક સરકારી ખર્ચમાં વાર્ષિક £6.1 બિલિયનનો ઘટાડો થશે, જે 2026 પછી વાસ્તવિક દ્રષ્ટિએ (ફુગાવાને ધ્યાનમાં લીધા પછી) 1.3%ને બદલે 1.2% વધશે.
- 2030 સુધીમાં સરકારી વિભાગોના વહીવટી ખર્ચમાં 15% ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે.
- લગભગ 10,000 સિવિલ સર્વિસની નોકરીઓ જવાની અપેક્ષા છે, જેમાં HR, પોલીસી એડવાઇઝ, સંદેશાવ્યવહાર અને ઓફિસ મેનેજમેન્ટમાં કામ કરતા સ્ટાફનો સમાવેશ થાય છે.
અન્ય પગલાં
- “વેલ્ધી ઓફશોર નોન-કમ્પ્લાયન્સ” ને પહોંચી વળવા માટે HMRCમાં 400 વધુ સ્ટાફને નોકરી પર રાખવામાં આવશે. જેનાથી પાંચ વર્ષમાં વધારાના £500 મિલિયન લાવવાનો અંદાજ છે.
- આ વર્ષના અંતમાં નવી યુએસ-શૈલીની યોજના શરૂ કરાશે અને કર ટાળનારા લોકોની માહિતી આપનારને વસૂલવામાં આવેલા નાણાંનો એક ભાગ મળશે.
