
અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના અધિવેશન દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતો એક ખાસ ઠરાવ પસાર કરાયો હતો. રાજ્યમાં 1995થી કોંગ્રેસ સત્તા મેળવી શકી નથી ત્યારે આ ઠરાવનું વિશેષ મહત્ત્વ છે. કોંગ્રેસના ૧૪૦ વર્ષના ઇતિહાસમાં, આવું પહેલી વાર થઈ રહ્યું છે જ્યારે એઆઈસીસી સત્ર દરમિયાન રાજ્ય વિશેષ ઠરાવ પસાર કરાયો હોય
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે તેમના પક્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે જ્યારે AICC સત્ર દરમિયાન રાજ્ય-વિશિષ્ટ ઠરાવ લાવવામાં આવ્યો હોય.’ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ છે’ શીર્ષક ધરાવતા આ ઠરાવમાં “નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસ”ના સૂત્ર સાથે સત્તામાં પાછા ફરવાની પાર્ટીની વ્યૂહરચના રજૂ કરવામાં આવી છે.
આ ઠરાવ કેમ લાવવામાં આવ્યો છે તેવા સવાલના જવાબમાં રમેશે કહ્યું હતું કે આ સત્ર ગુજરાતમાં યોજાઈ રહ્યું છે અને અમે છેલ્લા 30 વર્ષથી આ રાજ્યમાં સત્તાથી બહાર છીએ. ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં ગુજરાતના વિકાસનો પાયો કોંગ્રેસે નાખ્યો હતો. જોકે, ભાજપના શાસનમાં ગુજરાતના વિકાસને ફટકો પડ્યો હતો. તેથી જ અમે આજના સત્ર દરમિયાન ગુજરાત પર આ ખાસ ઠરાવ લાવી રહ્યા છીએ.
આ ઠરાવમાં સત્તામાં પાછા ફરવા માટે પાર્ટીની રણનીતિ, લોકોને સામનો કરી રહેલા મુદ્દાઓ, અમે અમલમાં મુકેલી આર્થિક નીતિઓ અને રાજ્યના વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગપતિઓ માટે અમે શું કરી શકીએ છીએ તેની રૂપરેખા આપવામાં આવશે.
ઉદ્યોગપતિઓ અંગે પાર્ટીના વલણને સ્પષ્ટ કરતાં રમેશે કહ્યું કે પાર્ટી હંમેશા સાચા ઉદ્યોગપતિઓના સમર્થનમાં છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો ચલાવતા લોકો, પરંતુ એક કે બે કોર્પોરેટ નહીં જેમને બધા લાભ મળે છે.ગુજરાતમાં તમામ મોટા કારખાનાઓ કોંગ્રેસના શાસન દરમિયાન સ્થપાયા હતાં. કોંગ્રેસે જ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું હતું.
રમેશના મતે, દેશના ૮૦ ટકા સ્ટેનલેસ સ્ટીલ યુનિટ ગુજરાતમાં છે, પરંતુ તેમાંથી ત્રીજા ભાગ હવે બંધ થઈ ગયા છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની આયાત પર કોઈ નિયંત્રણો લાદ્યા ન હતા.જો તમે શિક્ષણ અને આરોગ્ય જેવા સામાજિક ક્ષેત્રના આંકડા જુઓ તો, ગુજરાત વિકસિત રાજ્ય હોવા છતાં, કેરળ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યો કરતાં પાછળ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપનું શાસન છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ રાજ્યની ૧૮૨ બેઠકોમાંથી માત્ર ૧૭ બેઠકો જીતી શકી હતી. પરંતુ પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ ગૃહમાં પાર્ટીનું સંખ્યાબળ ઘટીને ૧૨ થઈ ગયું.
