યુરો કપ ફૂટબોલમાં સ્પેને શાનદાર દેખાવ સાથે 2024માં ચોથીવાર તાજ હાંસલ કર્યો હતો, તો ઈંગ્લેન્ડને ફરી નિરાશ થવું પડ્યું હતું. બર્લિનમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં સ્પેને ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. સ્પેન માટે યુરો કપમાં આ રેકોર્ડ ચોથું ટાઈટલ રહ્યું છે.
આ પહેલા સ્પેને 1964, 2008 અને 2012માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી. સ્પેન યુરો કપની સૌથી સફળ ટીમ છે. જર્મની ત્રણ ટાઇટલ સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. અગાઉ 2020માં, તે ટાઇટલ મેચમાં ઇટાલી સામે હાર્યું હતું. આ ચેમ્પિયનશિપના 66 વર્ષના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ એક વખત પણ ચેમ્પિયન બની શક્યું નથી.
ફાઈનલમાં પ્રથમ હાફમાં એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી. જોકે બીજો હાફ ભારે રોમાંચક રહ્યો હતો. મેચની 47મી મિનિટમાં નિકોલસ વિલિયમ્સે લેમિન યામના સરસ ક્રોસ પર ગોલ કરીને સ્પેનને 1-0ની લીડ અપાવી હતી. રમતની 73મી મિનિટમાં સબ્સ્ટીટ્યૂટ ખેલાડી કોલ પામરે જૂડ બેલિંગહમના ક્રોસ પર ગોલ કરી ઈંગ્લેન્ડને બરાબરીમાં લાવી દીધું હતું, તો 86મી મિનિટમાં સ્પેનના સબ્સ્ટીટ્યૂટ ખેલાડી મિકેલે નિર્ણાયક ગોલ કર્યો હતો.