Alice, Bebe and Elsie (left to right)

નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના લિવરપુલની ઉત્તરે આવેલા સાઉથપોર્ટ શહેરમાં હાર્ટ સ્ટ્રીટ ખાતે આવેલ હાર્ટ સ્પેસ ટેલર સ્વિફ્ટ થીમ્ડ યોગા એન્ડ ડાન્સ ક્લાસ ખાતે તા. 29ના રોજ સવારે 11.47 વાગ્યે છરાબાજીની એક ઘટનામાં 3 બાળાઓના મોત નિપજ્યા હતાં. 6 બાળકો અને તેમને બચાવવાનો પ્રયાસ કરનાર બે પુખ્ત વયના લોકો સહિત કુલ 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક મર્સીસાઇડ પોલીસના આર્મ્ડ પોલીસ અધિકારીઓએ લેન્કેશાયરના બેંક્સ ગામના અને કાર્ડિફમાં જન્મેલા રવાન્ડન મૂળના 17 વર્ષના યુવાનની ધરપકડ કરી છરી કબજે કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે જાહેર જનતા માટે કોઈ વ્યાપક ખતરો નથી. પોલીસ હુમલાને આતંકવાદ સાથે સંબંધિત ગણતી નથી.

મોતને ભેટેલી ત્રણ બાળકીઓના નામ બેબે કિંગ (ઉ.વ. 6), એલ્સી ડોટ સ્ટેનકોમ્બ (ઉ.વ. 7) અને એલિસ અગુઆર (ઉ.વ.  9) હોવાનું બહાર આવ્યું છે. આ કાર્યક્રમ લીએન લુકાસ દ્વારા આયોજિત કરાયો હતો. જેની બહાદુરીની લોકોએ પ્રસંશા કરી હતી.

નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું હતું કે ડાન્સ અને યોગાના વર્કશોપ પર થયેલા હુમલામાં ઘાયલ થયેલા 11 લોકોની સારવાર કરી હતી અને તેમને બહુવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.

માનવામાં આવે છે કે ભયાનક હુમલો થયો ત્યારે 6થી 11 વર્ષની વયના લગભગ 25 બાળકો નૃત્ય અને યોગાના સેશનમાં ભાગ લઇ રહ્યા હતા જે બે શિક્ષકો દ્વારા ચલાવવામાં આવી રહ્યાં હતાં. છરાબાજી થઇ તેના 10 મિનિટ પછી, બપોરના સમયે તે સેશન સમાપ્ત થવાનું હતું. નજરે જોનાર લોકોએ કહ્યું હતું કે તેમણે ‘બ્લેક હૂડ’માં એક માણસને છરી સાથે ટેક્સીમાં આવતો જોયો હતો અને તેણે ટેક્સી ભાડૂ ચૂકવવાનો ઇન્કાર કર્યો હતો. ક્લાસમાં ઘુસતાની સાથે જ તેણે છરાબાજી શરૂ કરી દીધી હતી.

એમ્બ્યુલન્સ અને એર એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ થયેલા 13 લોકોને એલ્ડર હે ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, માન્ચેસ્ટર ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, એંટ્રી હોસ્પિટલ, સાઉથપોર્ટ અને ફોર્મબી હોસ્પિટલ અને ઓર્મસ્કીર્ક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

વડા પ્રધાન સ્ટાર્મરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે “”સાઉથપોર્ટથી ભયાનક અને ખૂબ જ આઘાતજનક સમાચાર બહાર આવી રહ્યા છે. આખો દેશ આ હુમલાથી ઊંડો આઘાત અનુભવે છે. અમારા વિચારો અને સંવેદના પીડિતો, તેમના પરિવારો, તેમના મિત્રો અને વ્યાપક સમુદાય સાથે છે. હું પોલીસ અને ઇમરજન્સી સેવાઓનો તેમના ઝડપી પ્રતિસાદ માટે આભાર માનું છું. મને અપડેટ અપાઇ રહ્યો છે.”

હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે હાઉસ ઓફ કોમન્સમાં ઘટના અંગે સંસદને અપડેટ કરતાં કહ્યું હતું કે “હું મર્સીસાઇડ પોલીસ અને ક્રાઇમ કમિશનર અને મર્સીસાઇડ મેયરના સંપર્કમાં છું. ઝડપી અને હિંમતભર્યા પ્રતિસાદ માટે પોલીસ અને ઇમરજન્સી સેવાઓનો આભાર.”

તેમણે અને મર્સીસાઇડ ચીફ કોન્સ્ટેબલ સેરેના કેનેડી અને પોલીસ અને ક્રાઈમ કમિશનર એમિલી સ્પુરેલે ઘટનાસ્થળે જઇને ફૂલો અર્પણ કર્યા હતા.

મર્સીસાઇડ પોલીસે જણાવ્યું હતું કે છરાબાજીના અહેવાલોને પગલે ઓછામાં ઓછી 13 એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી.

બકિંગહામ પેલેસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં મહારાજા ચાર્લ્સે જણાવ્યું હતું કે, “સાઉથપોર્ટમાં ઘટેલી અત્યંત ભયાનક ઘટના વિશે સાંભળીને મને અને મારી પત્નીને ખૂબ જ આઘાત લાગ્યો છે. અમે આટલી દુ:ખદ રીતે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારો, પ્રિયજનો અને ભયાનક હુમલાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના અને ઊંડી સંવેદનાઓ મોકલીએ છીએ.”

એક અલગ નિવેદનમાં, પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ અને અને પ્રિન્સેસ કેટ મિડલટને જણાવ્યું હતું કે “આજે સાઉથપોર્ટમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો, મિત્રો અને પ્રિયજનો કેવી રીતે પસાર થઈ રહ્યા છે તેની અમે કલ્પના કરી શકતા નથી. આ ભયાનક અને જઘન્ય હુમલામાં સામેલ તમામ લોકો માટે અમારો પ્રેમ, વિચારો અને પ્રાર્થના.”

મર્સીસાઇડ પોલીસ ચીફ કોન્સ્ટેબલ કેનેડીએ જણાવ્યું હતું કે ‘’આ પ્રારંભિક તબક્કે શંકાસ્પદનો હેતુ અસ્પષ્ટ છે, પરંતુ તપાસને આતંકવાદ સંબંધિત માનવામાં આવી રહી નથી. નિષ્ણાત અધિકારીઓ માર્યા ગયેલા બાળકોના પરિવારજનોને અને જેઓ ઘાયલ થયા છે તેમને મદદ કરી રહ્યા છે.

ટેલર સ્વિફ્ટના ચાહકોના જૂથ દ્વારા પીડિત લોકો અને તેમના પરિવારો માટે ભંડોળ પૂરૂ પાડવા કુલ £28,000 એકત્ર કરાયા હતા જે મૂળ £13,000ના લક્ષ્યાંક કરતા બમણા હતા.

LEAVE A REPLY