છરાબાજીમાં ત્રણ બાળાઓની હત્યા બાદ તા. 30ને મંગળવારે રાત્રે ત્રણ છોકરીઓને શ્રદ્ધાંજલિ આપવા અને ઘાયલ લોકો માટે પ્રાર્થના કરવા માટે હજારો લોકો ભેગા થયા પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. શાંતિપૂર્ણ વિજીલ બાદ સાઉથપોર્ટની એક મસ્જિદ પર ફાર રાઇટ તોફાનીઓના ટોળાએ કરેલા હુમલામાં 22 અધિકારીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં ફ્રેક્ચર, લેસરેશન વગેરેનો સમાવેશ થાય છે.
મસ્જિદની બહાર એકઠા થયેલા ઈંગ્લિશ ડિફેન્સ લીગ સાથે જોડાયેલા મનાતા લોકોએ મસ્જિદ પર પથ્થરો ફેંક્યા હતા. તે પછી જોતજોતામાં સ્થિતિ બગડી હતી અને પોલીસ પર પણ બોટલો અને ઈંટો ફેંકી હુમલો કરાયો હતો. ઘણા ઉપદ્રવીઓએ પોલીસની વાનને પણ આગ લગાડી હતી.
તોફાનીઓએ મસ્જિદના પાર્કીંગમાં પાર્ક કરેલી કારને સળગાવી સ્થાનિક મસ્જિદ પર ઇંટો ફેંકી હતી અને સ્થાનિક કન્વિનીયન્સ સ્ટોરને નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે મોટા કચરાના બિનને આગ લગાડી હતી.
વડા પ્રધાન કેર સ્ટાર્મરે હાર્ટ સ્ટ્રીટ પરના ડાન્સ સ્ટુડિયો – હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. સ્ટાર્મરે વિજીલને હાઇજેક કરવા અને તેમના તોફાનો થકી શોકગ્રસ્ત સમુદાયનું અપમાન કરવા બદલ ટોળાની નિંદા કરી હતી.
ટેલર સ્વિફ્ટના ચાહકો દ્વારા માર્યા ગયેલા બાળકોના અંતિમ સંસ્કાર અને ઘાયલોના પરિવારો માટે જસ્ટ ગિવિંગ પેજ પર કુલ £2,15,000થી વધુ રકમ એકત્ર કરવામાં આવી છે. અમુક રકમ એલ્ડર હે ચિલ્ડ્રન હોસ્પિટલને દાન કરાશે.