
વસ્તીના આધારે લોકસભા બેઠકોના સીમાંકનનો વિરોધ કરવા માટે ડીએમકેની આગેવાની હેઠળ ચેન્નાઇમાં શનિવારે યોજાયેલી જોઇન્ટ એક્શન કમિટીની બેઠકમાં વિપક્ષોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વસ્તીના આધારે સૂચિત સીમાંકન કવાયતથી દક્ષિણ ભારતના રાજ્યોની લોકસભા બેઠકોમાં ઘટાડો થતાં તેમને નુકસાન થશે અને ઉત્તર ભારતના રાજ્યોને લાભ થશે. બેઠકમાં માગણી કરાઈ હતી કે કેન્દ્ર સરકારે 1971ની વસ્તી ગણતરીને આધારે લોકસભાની બેઠકોની સંખ્યાને વધુ 25 વર્ષ સુધી સ્થિર રાખવી જોઇએ. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રજૂઆત કરવાનો પણ સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો.
સીમાંકન માટે વસ્તીને એક માપદંડ રાખવા સામે લડાઈ લડવાની પણ રાજકીય સર્વસંમતિ ઊભી થઈ હતી. આ બેઠકમાં તમિલનાડુ, કેરળ, તેલંગણાના અને પંજાબના મુખ્યપ્રધાનો, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર તથા છ રાજ્યોના BRS, BJD અને SAD સહિત 14 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી અને સીમાંકનના મુદ્દે એકતા દર્શાવી હતી.
બેઠકમાં તમિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલિને જણાવ્યું હતું કે ભાવિ વસ્તી ગણતરીના આધારે સીમાંકનથી કેટલાંક રાજ્યોને રાજકીય રીતે મોટું નુકસાન થશે. વસ્તીના આધારે સીમાંકન સ્વીકારી શકાય નહીં.
કેરળના મુખ્યપ્રધાન પિનારાઇ વિજયને સૂચિત સીમાંકનને વસ્તી નિયંત્રણોના કાર્યક્રમોનો અમલ કરનારા ખાસ કરીને દક્ષિણના રાજ્યો પર લટકતી ‘સ્વોર્ડ ઓફ ડેમોકલ્સ’ ગણાવી હતી. વિજયને દાવો કર્યો હતો કે આગામી વસ્તીગણતરી પછી સીમાંકન કરવામાં આવશે તો ઉત્તર ભારતના રાજ્યોની બેઠકોમાં વધારો અને દક્ષિણના રાજ્યોની બેઠકોમાં ઘટાડો થશે. દક્ષિણની બેઠકોમાં ઘટાડો અને ઉત્તરના રાજ્યોની બેઠકોમાં વધારો ભાજપને અનુકૂળ રહેશે, કારણ કે ભાજપ ઉત્તરમાં વધુ પ્રભાવ ધરાવે છે.
આ બેઠકમાં તેલંગાણાના કોંગ્રેસી મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે લોકસભા બેઠકોની સંખ્યામાં વધારો ન કરો. જો ભાજપ વસ્તીના આધારે સીમાંકનનો પ્રક્રિયા હાથ ધરશે, તો દક્ષિણ ભારત તેનો રાજકીય અવાજ ગુમાવશે અને ઉત્તર ભારત આપણને સેકન્ડરી સિટિઝન બનાવી દેશે.
કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રે દક્ષિણના રાજ્યોનું સંસદીય પ્રતિનિધિત્વ ઘટાડવાની યોજના બનાવી છે. તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન ઉદયનિધિ સ્ટાલિને જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા સૂચિત સીમાંકન કવાયત માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ બિન-ભાજપ શાસિત રાજ્યોનું સંસદમાં પ્રતિનિધિત્વ ઘટાડવા માટેનું ભાજપનું એક ષડયંત્ર છે.
