(Photo by PHILL MAGAKOE/AFP via Getty Images)

દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના વરિષ્ઠ રાજકીય નેતા અને રંગભેદ વિરોધી કાર્યકર પ્રવીણ ગોરધનનું શુક્રવાર, 13 સપ્ટેમ્બરે જોહાનિસબર્ગની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. 75 વર્ષીય પ્રવીણ ગોરધન કેન્સરનું સામેની લડાઈ પછી નિધન થયું હતું, એમ તેમના પરિવારે જણાવ્યું હતું.

1994માં દેશમાં લોકશાહી આવી ત્યારથી તેઓ દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં સક્રિય હતાં. માંડ ચાર મહિના પહેલા તેમણે જાહેરાત કરી હતી કે તેઓ તેમના પરિવાર સાથે વધુ સમય પસાર કરવા સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે.

પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાનનું કેન્સર સામે ટૂંકી અને નીડર લડાઈ પછી શુક્રવારે વહેલી સવારે હોસ્પિટલમાં અવસાન થયું હતું.

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટીના લાંબા સમયથી સભ્ય રહેલા પ્રવીણ ગોરધનને એક ઉત્કૃષ્ટ નેતા અને ભ્રષ્ટાચાર સામેની લડાઈના દીવાદાંડી તરીકે બિરદાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આફ્રિકન પ્રેસિડન્ટે પ્રવીણ ગોરધનની પત્ની વનિતા રાજુ, પુત્રીઓ અનીશા અને પ્રિયેશા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
દક્ષિણ આફ્રિકાના એનજીઓ ડિફેન્ડ અવર ડેમોક્રેસી (DoD)એ ગોરધનને દક્ષિણ આફ્રિકાની આઝાદી ચળવળના એક ઉત્કૃષ્ટ ક્રાંતિકારી અને અગ્રણી બૌદ્ધિક ગણાવ્યાં હતાં.

2010માં પ્રવીણ ગોરધનને તત્કાલિન પ્રેસિડન્ટ પ્રતિભા પાટીલે પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ પુરસ્કાર વિદેશી ભારતીયો માટેનો સર્વોચ્ચ એવોર્ડ છે.

શ્વેત લઘુમતી રંગભેદી સરકારના રાજકીય કેદી તરીકે નેલ્સન મંડેલાની મુક્તિ પછી રચાયેલી ટ્રાન્ઝિશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સહ-અધ્યક્ષ તરીકે પ્રવીણ ગોરધને સેવા આપી હતી. આનાથી મંડેલા 1994માં દેશના પ્રથમ લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રેસિડન્ટ બન્યાં હતાં. તેમણે 2009થી 2014 સુધી અને ફરીથી 2015થી 2017 સુધી બે ટર્મ નાણા પ્રધાન તરીકે સેવા આપી હતી.

LEAVE A REPLY