ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના પોઇન્ટ્સ પરથી લશ્કરી દળોને પરત બોલવવા અંગે મતભેદો ઘટાડીને કેટલીક સર્વસંમતિ સાધી શક્યા છે તથા બંને પક્ષોને સ્વીકાર્ય ઉકેલ શોધવા મંત્રણા ચાલુ રાખવા સંમત થયા છે, એમ ચીનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. અગાઉ ન્યૂયોર્કમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ જણાવ્યું હતું કે ચીન સાથેના 75 ટકા વિવાદનું ઉકેલ આવી ગયો છે, પરંતુ સીમા પર પેટ્રોલિંગનો વિવાદ હજુ બાકી છે.
ચીની સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઝાંગ ઝિયાઓગાંગે જણાવ્યું હતું કે બંને દેશોના નેતાઓના માર્ગદર્શન હેઠળ ભારત અને ચીન રાજદ્વારી અને લશ્કરી માધ્યો મારફત એકબીજા સાથે મંત્રણા કરી રહ્યાં છે. તેમાં બંને દેશોના વિદેશ પ્રધાનો તથા ચીનના વિદેશ પ્રધાન અને ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર સામેલ છે. સીમા સંવાદ વ્યવસ્થાતંત્ર હેઠળ આ મંત્રણાઓ ચાલે છે. ચીન અને ભારત બંને દેશો મંત્રણા મારફત તેમના મતભેદોમાં ઘટાડો કરીને અમુક સર્વસંમતિ સાધી શક્યા છે. આ ઉપરાંત બંને દેશો એકબીજાની કાયદેસરની ચિંતાઓનો ઉકેલ લાવવા મંત્રણાને વધુ મજબૂત કરવા સંમત થયા છે. બંને પક્ષો બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવી વહેલી તારીખે ઉકેલ પર પહોંચવા સંમત થયાં છે.
અહી ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચે આશરે ચાર વર્ષથી લશ્કરી મડાગાંઠ સર્જાઈ છે. કેટલાંક સંઘર્ષ પોઇન્ટ્સ પરથી બંને દેશોએ એકબીજાના લશ્કરી દળોને પાછા બોલાવી લીધા છે, પરંતુ ખાસ કરીને ડેમચોક અને ડેપસાંગ સીમા પોઇન્ટ્સ પર હજુ મડાગાંઠ છે. તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો પણ કથળેલા છે. ચીની મિલિટરીના પ્રવક્તા આ મુદ્દે સવાલના જવાબ આપી રહ્યાં હતાં.
ચીનની મિલિટરીના પ્રવક્તાએ વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની બેઠક તેમજ વાંગ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચેની તાજેતરની બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ બેઠકો બ્રિક્સ સમીટ દરમિયાન યોજાઈ હતી. વાંગ અને ડોભાલ વચ્ચેની મંત્રણા અંગે 3 સપ્ટેમ્બરે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંને દેશોની ફ્રન્ટ લાઇન સેનાએ ગલવાન ખીણ સહિત ચીન-ભારત સરહદના પશ્ચિમી ક્ષેત્રના ચાર ક્ષેત્રોમાં લશ્કરી દળો પાછા ખેંચવાની જરૂરિયાત અનુભવી છે. જોકે તેમણે ડેપસાંગ અને ડેમચોક અંગે કોઇ ટીપ્પણી કરી ન હતી.