(PTI Photo)

બોલીવૂડ માટે 2023નું વર્ષ બ્લોકબસ્ટર અને મોટા બજેટની ફિલ્મોનું વર્ષ રહ્યું હતું, જેમાં શાહરુખ ખાનની ‘જવાન’, ‘પઠાણ’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ જેવી મોટા બજેટની એક્શન ફિલ્મોએ સારી એવી કમાણી કરી હતી. તેના કારણે કોરોના મહામારી પછી મંદીમાં ગરકાવ થયેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી સદ્ધર બની થઈ હતી. 2022ના અંતમાં આવેલી ‘ગદર 2’ અને ‘ધ કેરાલા સ્ટોરી’એ પણ બોક્સ ઓફિસમાં મોટું કલેક્શન નોંધાવ્યું હતું.

પરંતુ 2024માં નિર્માતાઓને સમજાયું હતું કે, મોટા બજેટની ફિલ્મો નહીં ચાલે તો તેનું મોટું નુકસાન વેઠવું પડશે. જેમકે, ‘બડે મિંયા છોટે મિંયા’ અંદાજિત બજેટ 350 કરોડમાં બની હતી પરંતુ તે ત્રીજા ભાગની રકમ પણ રીકવર કરી શકી નહીં. જ્યારે ‘સ્ત્રી 2’ જેવી નાના બજેટની ફિલ્મનું બજેટ માંડ 50-60 કરોડનું હતું, જે લગભગ 777 કરોડન કમાણી કરી ચૂકી છે. આમ એ ફિલ્મ વર્તમાન વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી હિટ બની ગઈ છે. આ જ રીતે માત્ર 60 કરોડના બજેટમાં બનેલી અજય દેવગનની ‘શૈતાન’ પણ સારી ચાલી અને તેણે અંદાજે 210 કરોડ જેટલી કમાણી કરી હતી.

બોલીવૂડના સમીક્ષકો સ્વીકારે છે કે, નાના બજેટની ફિલ્મો રીલિઝ પહેલાં ભલે કોઈ સફળતાની ખાતરી ન આપી શકતી હોય પરંતુ ધીરે ધીરે હિટ થઈ જાય છે. આવું જ ‘મુંજ્યા’ અને ‘આર્ટીકલ 370’ના કિસ્સામાં પણ બન્યું હતું, 30 કરોડના ખર્ચે બનેલી ‘મુંજ્યા’ની કમાણી 132 કરોડે પહોંચી જ્યારે 20 કરોડાના ખર્ચે બનેલી ‘આર્ટિકલ 370’ની કમાણી 110 કરોડની હતી.

એવી જરીતે જે ફિલ્મો પાસે ખાસ કોઈ અપેક્ષા નહોતી તેવી તબ્બુ, કરીના, ક્રિતિ સેનનની ‘ક્રૂ’, વિકી કૌશલ તૃપ્તિ ડિમરીની ‘બેડ ન્યૂઝ’ તેમજ બિલકુલ ઓછા બજેટની નાની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ કે ‘મડગાંવ એક્સ્પ્રેસ’ને દર્શકોએ ખૂબ જ આવકારી હતી.

ઇન્ડસ્ટ્રીમાં હવે ધીરે ધીરે થોડું પરિવર્તન ચોક્કસ આવી રહ્યું છે, પરંતુ હિન્દી સિનેમા હજુ પણ એ પ્રવાહમાં આગળ ચાલે છે કે શાહરુખ, સલમાન કે આમીર કે અક્ષય અને અજય દેવગણ જેવા મોટા ગજાના સ્ટાર હશે અને તેમના રોલ મહત્વના હશે તો જ ફિલ્મ ચાલશે. તેઓ ફી પણ ખૂબ જ વધારે વસુલે છે. આ બધાં જ હીરો હવે 50ની ઉમર વટાવી ગયા છે, તો તેઓ આજના યુવાનોને બહુ લાંબો વખત સુધી આકર્ષી શકશે નહીં. છેલ્લા ઘણા વખતથી અક્ષયની એક પણ ફિલ્મ ચાલી નથી. અજયની પણ કોઈ ફિલ્મ ચાલે છે ને કોઈ ફ્લોપ જાય છે, જેમકે ‘શૈતાન’ચાલી પણ ‘મૈદાન’ માંડ ચાલી. આ સુપરસ્ટારની યાદીમાં રિતિક ઘણી ઓછી ફિલ્મો કરે છે, તેનો ચાહક વર્ગ મોટો હોવા છતાં તેની ફિલ્મો ખાસ ચાલતી નથી.

રણવીર સિંહ અને રણબીર કપૂરનાં સ્ટારડમ છે છતાં દર્શકોને હવે વિકી કૌશલ, આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ અને કાર્તિક આર્યન જેવા કલાકારો વધુ પ્રતિભાશાળી લાગે છે. તેમની લગભગ બધી જ ફિલ્મો સારી ચાલે છે. જો આ યંગ કલાકારોમાં ટાઇગર શ્રોફને યાદ કરીએ તો એ સ્ટારમાં તો ગણાય છે, પણ તેની પણ બધી જ ફિલ્મો ચાલે છે એવું નથી. તેની ‘વોર’ ચાલી પરંતુ છેલ્લી ત્રણ ફિલ્મો ‘હિરોપંતિ 2’, ‘ગણપતઃ ધ હિરો ઇઝ બોર્ન’ અને ‘બડે મિંયા છોટે મિંયા’ ન ચાલી.

તેથી હવે પ્રોડ્યુસર કોઈ પણ મોટા કલાકાર પર રોકાણ કરવા તૈયાર નથી, કારણ કે મોટા કલાકારની ફિલ્મમાં હાજરી એ હવે ફિલ્મની સફળતાની ખાતરી રહી નથી. તેથી હવે દરેક પ્રોડ્યુસર એવું વિચારે છે કે જ્યાં સુધી દર્શકો અને અભિનેતા બંને મોટી ફિલ્મોનો ભાર ઉપાડવા તૈયાર ન થાય ત્યાં સુધી નાના બજેટની ફિલ્મો કરીને કમસેકમ નુકસાનીમાંથી બચવું તેમના માટે વધુ સુરક્ષિત છે. તેથી 100 કરોડની અંદરના બજેટમાં બનનારી ફિલ્મોનું પ્રમાણ હવે વધશે તેવું માનવામાં આવે છે.

LEAVE A REPLY