નવી દિલ્હીમાં સોમવાર, 17 માર્ચ, 2025 ના રોજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેકક્લે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનની હાજરીમાં સમજૂતીપત્રોની આપલે કરી હતી. . (PTI Phone/Shahbaz Khan)

ભારત અને ન્યુઝીલેન્ડે સોમવાર, 17 માર્ચે સંરક્ષણ સંબંધોને સંસ્થાકીય સ્વરૂપ આપવા માટે એક મહત્વાકાંક્ષી કરાર પર હસ્તાક્ષર કર્યા અને ઈન્ડો-પેસિફિકમાં સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનને આ ટાપુ રાષ્ટ્રમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કેટલાક ખાલિસ્તાની તરફી તત્વો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

મોદી અને લક્સન વચ્ચેની વાતચીત બાદ, બંને પક્ષોએ શિક્ષણ, રમતગમત, કૃષિ અને આબોહવા પરિવર્તન સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા હતાં અને સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રમાં સહયોગ માટે રોડમેપ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો.

બંને વડા પ્રધાનોએ સંતુલિત, મહત્વાકાંક્ષી, વ્યાપક અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટો શરૂ કરવાના નિર્ણયને પણ આવકાર્યો હતો. બંને દેશો આ વર્ષના અંત સુધીમાં FTA પર મહોર મારવાનો પ્રયાસ કરશે.
મોદીએ કહ્યું હતું કે ભારત અને ન્યુઝીલેન્ડ એક મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિકને સમર્થન આપે છે. અમે વિસ્તારવાદ નહીં, વિકાસની નીતિમાં માનીએ છીએ. આ ટિપ્પણી આ ક્ષેત્રમાં ચીનની વિસ્તારવાદી નીતિ અંગે વધતી જતી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે આવી છે.

લક્સન રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાંચ દિવસની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ બંને પક્ષો વચ્ચે વધુ ગાઢ આર્થિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.

સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે વેપાર કરાર માટેની વાટાઘાટોના સંદર્ભમાં બંને પક્ષો વ્યાવસાયિકો અને કુશળ કામદારોની ગતિશીલતાને સરળ બનાવતી વ્યવસ્થા પર ચર્ચા શરૂ કરવા સંમત થયા હતાં.

પોતાના ભાષણમાં, મોદીએ 2019ના ક્રાઇસ્ટચર્ચ આતંકવાદી હુમલા અને 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ અસ્વીકાર્ય છે.આ સંદર્ભમાં, અમે ન્યુઝીલેન્ડમાં કેટલાક ગેરકાયદેસર તત્વો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે અમારી ચિંતા શેર કરી હતી. અમને વિશ્વાસ છે કે આ બધા ગેરકાયદેસર તત્વો સામે અમને ન્યુઝીલેન્ડ સરકારનો સહયોગ મળતો રહેશે.

LEAVE A REPLY