કેન્દ્ર સરકારે 1 એપ્રિલ, 2023થી સંસદસભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં તગડો વધારો કરવાનું નોટિફિકેશન સોમવારે જારી કર્યું હતું. નોટિફિકેશનમાં જણાવાયું હતું કે લોકસભા અને રાજ્યસભાના સભ્યોનો પગાર હાલમાં 1 લાખ રૂપિયાથી વધારીને 1.24 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે.
ભૂતપૂર્વ સાંસદોને ચૂકવવામાં આવતા પેન્શન પણ હાલમાં 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરાયું છે. પાંચ વર્ષથી વધુ સેવાના દરેક વર્ષ માટે વધારાનું પેન્શન અગાઉના રૂ. 2,000થી વધારીને રૂ.2,500 કરવામાં આવ્યું છે.
સંસદના ચાલુ બજેટ સત્ર દરમિયાન સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં સુધારો જાહેર કરવામાં આવ્યો હતો. વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદોને ચૂકવવામાં આવતા પગાર અને ભથ્થાંમાં અગાઉનો એપ્રિલ 2018માં વધારો કરાયો હતો.
આ ઉપરાંત, સાંસદોને ફોન અને ઈન્ટરનેટના ઉપયોગ માટે વાર્ષિક રૂ.1.5 લાખનું ભથ્થું પણ મળે છે. તેઓ પોતાના અને તેમના પરિવાર માટે દર વર્ષે 34 ફ્રી સ્થાનિક ફ્લાઇટ્સ તેમજ વ્યાવસાયિક, વ્યક્તિગત ઉપયોગ માટે કોઈપણ સમયે ફર્સ્ટ ક્લાસ ટ્રેન મુસાફરી કરી શકે છે. તેઓ રસ્તાઓનો ઉપયોગ કરતી વખતે માઇલેજ ભથ્થાનો પણ દાવો કરી શકે છે. સાંસદોને વાર્ષિક 50,000 યુનિટ મફત વીજળી અને 4,000 કિલોલિટર પાણીનો લાભ પણ મળે છે.
પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન સાંસદોને મકાનની સુવિધા પણ મળે છે. સાંસદો સત્તાવાર રહેઠાણમાં રહેવા ન ઈચ્છતા હોય તો તેઓને માસિક રૂ. 2,00,000નું આવાસ ભથ્થું મેળવવા માટે પાત્ર છે. કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) હેઠળ, સંસદસભ્યો અને તેમના નજીકના પરિવારોને મફત તબીબી સારવાર મળે છે. આમાં ભાગ લેતી ખાનગી હોસ્પિટલો તેમજ સરકારી હોસ્પિટલોમાં સારવારનો સમાવેશ થાય છે.
