સતત નાશ પામી રહેલ કોમ્યુનિટી ફાર્મસીઓ માટે સતત મળી રહે તેવા ફંડીંગ કોન્ટ્રેક્ટની તાત્કાલિક જરૂરિયાત છે અન્યથા કોમ્યુનિટી ફાર્મસી ક્ષેત્ર બંધ થઇ જશે એમ કોમ્યુનિટી ફાર્મસી ઈંગ્લેન્ડ (CPE) ના સીઈઓ જેનેટ મોરિસને 6 ઓક્ટોબરના રોજ સિગ્મા યુકે કોમ્યુનિટી ફાર્મસી કોન્ફરન્સ 2024માં જણાવ્યું હતું.

હિલ્ટન લંડન, હીથ્રો ટર્મિનલ 5 ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં ફાર્માસિસ્ટ અને રાજકારણીઓ સહિત લગભગ 250 લોકોએ હાજરી આપી હતી. ગયા મહિને પ્રસિધ્ધ કરાયેલા દરજી રીપોર્ટમાં છેલ્લા સાત વર્ષમાં 1200 ફાર્મસી બંધ થવાની જાણ કરાઇ હતી જે હાઈ સ્ટ્રીટ અને દર્દીની સેવાઓ બંનેને અસર કરે છે.

મોરિસને કહ્યું હતું કે ‘’CPE સર્વેક્ષણ દર્શાવે છે કે 64 ટકા બિઝનેસીસ ખોટમાં ચાલે છે અ ને 16 ટકાએ જણાવ્યું હતું કે તેઓ હજુ પણ એક વર્ષમાં ખુલશે કે કેમ તે અંગે તેઓ અનિશ્ચિત છે. આપણે સૌપ્રથમ એ જાણવાની જરૂર છે કે કોમ્યુનિટી ફાર્મસીઓ પાસે ભવિષ્ય માટે મજબૂત આધાર અને ટકાઉ ભંડોળ હોય. 2024-25 ફાર્મસી ફંડિંગ કોન્ટ્રાક્ટ માટેની વાટાઘાટો 30 ઓક્ટોબરના રોજ સુનિશ્ચિત થયેલ બજેટ પ્રકાશિત થયા પછી આરોગ્ય વિભાગ સાથે ફરી શરૂ થશે.”

સ્વાગત પ્રવચનમાં, સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ પીએલસીના સીઈઓ, હતુલ શાહે કહ્યું હતું કે ‘’ફાર્મસી કોન્ટ્રાક્ટર તરીકે અમે પરિવર્તન, અસ્થિરતા અને રોકડ પ્રવાહની અસરોનો અનુભવ કર્યો છે. જેનો આજે આ ક્ષેત્રમાં ઘણા લોકો સામનો કરી રહ્યા છે. મારી કારકિર્દીમાં પ્રથમ વખત, હું એકાઉન્ટ બુક્સને સંતુલિત કરવા કોન્ટ્રાક્ટર તરીકે સંઘર્ષ કરી રહ્યો છું. મને લાગે છે કે વધતા ઓવરહેડ્સ અને સ્ક્વિઝિંગ માર્જિન હવે મારા સ્ટોર્સ માટે બ્રેકિંગ પોઈન્ટ પર છે.’’

હતુલે કહ્યું હતું કે ‘’વેસ્ટ સ્ટ્રીટિંગનો પ્રાયમરી કેરના મહત્વ પરનો ભાર અને કોમ્યુનિટી ફાર્મસી જે મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેની સમજણ NHSને આગળ વધવા માટે મહત્વપૂર્ણ છે. ક્રાંતિકારી આરોગ્યસંભાળ આપવા માટે ઉચ્ચ કુશળ ફાર્માસિસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. આશા છે કે સરકાર આ ઉદ્યોગને ઓળખશે, જે “તૂટેલી ભંડોળ પ્રણાલી” ને કારણે ઘૂંટણિયે પડ્યો છે.’’ વિડિયો સંદેશમાં, ફાર્મસી મિનિસ્ટર સ્ટીફન કિનોકે જણાવ્યું હતું કે ‘’અમે એક ટકાઉ ભંડોળની જરૂરિયાતને ઓળખીએ છે જે કોમ્યુનિટી ફાર્મસીઓ દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓમાં સુધારા અને વિસ્તરણ માટે સરકારની મહત્વાકાંક્ષા સાથે મેળ ખાય છે. અમે આને તાકીદની બાબત તરીકે જોઈ રહ્યા છીએ.’’

વોટફોર્ડના સાંસદ મેટ તુર્માઈએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે ‘’નવી સરકાર કોમ્યુનિટી ફાર્મસીની ચિંતાઓ સાંભળી રહી છે અને યોગ્ય રીતે પરામર્શ કરી રહી છે. સરકાર આપણી અર્થવ્યવસ્થાના પાયાને ઠીક કરવા માટે સંકલ્પબદ્ધ છે અને દેશમાં કોમ્યુનિટી ફાર્મસી માટે સંકલ્પબદ્ધ છે.”

કોન્ફરન્સનું સમાપન કરતાં, સિગ્માના સ્થાપક, ભરત શાહે હેલ્થકેરમાં મલ્ટિડિસિપ્લિનરી વર્કિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. જેમાં ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ, નર્સનો સમાવેશ થાય છે, ફાર્માસિસ્ટ અન્ય બિઝનેસીસ કેવી રીતે સાથે કામ કરી શકે તેની ચર્ચા કરે છે.

શ્રી શાહે આ મહિનાના અંતમાં હાઉસ ઓફ કોમન્સ ખાતે હેલ્થ કેરના નિર્ણય લેનારાઓ સાથે સહયોગ અંગે ચર્ચા કરવા માટે આગામી સત્રની જાહેરાત કરતાં કહ્યું હતું કે“અમે NHS માં સાથે મળીને કામ કરવા માટે આગળ વધવા માંગીએ છીએ કારણ કે અમે બધા દર્દીઓ માટે કામ કરીએ છીએ.”

જનરલ ફાર્માસ્યુટિકલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડના 51,184 ફાર્માસિસ્ટમાંથી 43.6 ટકા એશિયન અથવા એશિયન બ્રિટિશ પૃષ્ઠભૂમિમાંથી છે.

LEAVE A REPLY