આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકેના પ. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીના માર્ગદર્શન હેઠળ તા. 2 સપ્ટેમ્બરના રોજ  લંડન સ્થિત હાઉસ ઓફ કોમન્સમાં પ્રિ-નવરાત્રિ કાર્યક્રમ અને સન્માન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

સાસંદ બોબ બ્લેકમેને કહ્યું હતું કે “વસ્તીના 37 ટકાથી વધુ એવો ભારતીય સમુદાય હેરો માટે નોંધપાત્ર કરોડરજ્જુ સમાન છે. હું લોકોની ઉષ્મા અને ઉદારતાથી અભિભૂત થયો છું. તેમના ઘરોમાં અને જીવનમાં મુક્તમને મારું સ્વાગત કરાયું છે અને ભારતમાં પણ મને બદલો આપવામાં આવે છે.’’

પ.પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધનના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર અને સંસ્કાર ટીવી સનાતન સંસ્કૃતિ, ધર્મ અને સમુદાયને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે આપણાં સંતો તેમજ યુવાનોના પ્રયત્નોને ઓળખવા માંગીએ છીએ. સંતો આપણને વર્તમાન અને ભવિષ્ય તરફ દિશા બતાવવા માટે આપણા ભૂતકાળ સાથે જોડે છે, જ્યારે યુવાનો આપણું ભવિષ્ય છે.”

મુખ્ય પ્રવાહના બ્રિટિશ સમાજમાં ભારતીય સાંસ્કૃતિક તહેવારોની વધતી જતી માન્યતાને દર્શાવતા પ્રિ નવરાત્રી ઉત્સવની સંસદમાં કરાયેલ ઉજવણી મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતી.

આ પ્રસંગે ગૌડિયા મિશનના ભક્તિ સ્વરૂપ સન્યાસી મહારાજ, અયોધ્યાના પંડિત ગૌરાંગી ગૌરીજી, શ્રી દમણિયા માછી મહાજનના મહંત ગોપાલદાસજી ગુરુ, ભક્તિ પ્રમોદ પુરી, દયાળ ઠાકુર દાસ, પ્રપન્ના કૃષ્ણ દાસ, રાજદીપ અડક, અને સુધાંશુ વિકાસ દાસ સહિત યુકે અને ભારતના પ્રતિષ્ઠિત સંતો અને મહાનુભાવોનું સમુદાયમાં અમૂલ્ય યોગદાન માટે સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સામુદાયીક સંબંધોને મજબૂત કરવા અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના નોંધપાત્ર પ્રયાસો બદલ આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને સાંસ્કૃતિક રાજદૂતો જય પટેલ, મયંક ભટ્ટ, અલખ બ્રહ્મભટ્ટ, સનાતન યુવા ટીમ, ભારતના સાંસદ ઉમેશભાઈ પટેલ અને શ્રી દમણિયા માછી મહાજનના પ્રતિનિધિઓ સહિત 21 સભ્યોનું બહુમાન કરાયું હતું.

ગુજરાતની ડાયનામિસ ચિલ્ડ્રન એકેડેમીના યુવાન કલાકારોએ વાઇબ્રન્ટ ગરબા પરફોર્મન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે પંડિત ગૌરાંગી ગૌરી જી, ભક્તિ સ્વરૂપ સન્યાસી મહારાજ, હિંદુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલ અને ગ્લોબલ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રસિંહ જાડેજા સહિત અગ્રણી વક્તાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

LEAVE A REPLY