યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના એરિઝોના ખાતેના પ્રચાર કાર્યાલય પર બહુવિધ ગોળીબાર થયા હતાં. સોમવારે મધ્યરાત્રિ પછી ગોળીબાર કરાયા હોવાનું માનવામાં આવે છે. ટેમ્પમાં સધર્ન એવન્યુ અને પ્રિસ્ટ ડ્રાઇવ નજીકના ડેમોક્રેટિક કેમ્પેઇન ઓફિસમાં ગોળીબારથી થયેલા નુકસાનના પુરાવા મળ્યા હતાં.

જાહેર માહિતી અધિકારી રેયાન કૂકે જણાવ્યું હતું કે રાતના કલાકો દરમિયાન કોઈ પણ ઓફિસમાં નહોતું, પરંતુ આ તે બિલ્ડીંગમાં કામ કરતા લોકોની તેમજ નજીકના લોકોની સલામતી અંગે ચિંતા ઊભી કરે છે. ઓફિસમાં એક દરવાજામાં બુલેટથી બે હોલ પડી ગયા હતાં. ઓફિસની બારીઓમાં ગોળીબારના નિશાન મળ્યાં હતાં. તપાસકર્તાઓએ પાર્ટી કાર્યાલયમાંથી એકત્ર કરાયેલા પુરાવાઓનું વિશ્લેષણ ચાલુ કર્યું હતું અને આ વિસ્તારમાં સ્ટાફના સભ્યો અને અન્ય લોકોની સુરક્ષાને વધુ કડક બનાવવા માટે વધારાના પગલાં લેવામાં આવ્યા હતાં.

અગાઉ, 16 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ પછી, ઓફિસની આગળની બારીઓ પર બીબી ગન અથવા પેલેટ ગનથી ફાયરિંગ થયું હતું. આ બંને ઘટનામાં કોઇ ધરપકડ થઈ ન હતી અને તપાસકર્તાઓ તમામ એંગલ અને ઇરાદાની તપાસ કરી રહ્યાં છે.

યુ.એસ.માં નવેમ્બર 5 ની પ્રમુખપદની ચૂંટણીમાં મુખ્ય બેટલગ્રાઉન્ડ રાજ્ય એરિઝોનામાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને આવવાના હતા તે પહેલા પક્ષના સ્થાનિક પ્રચાર કાર્યાલય પર બે ગોળીબાર થયા હતા.

LEAVE A REPLY