બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહ (આર) તેમના મેડલ સાથે પોઝ આપી રહ્યા છે REUTERS/Amr Alfiky
ભારતીય મહિલા શૂટર મનુ ભાકર મંગળવાર, 30 જુલાઈએ દેશની આઝાદી પછીના યુગમાં એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ હાંસલ કરનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. પેરિસ ગેમ્સમાં તેણે 10 મીટર એર પિસ્ટલમાં મિક્સ ડબલ્સમાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનો આ બીજો મેડલ હતો. પહેલો મેડલ પણ મનુ ભાકરે જ, રવિવારે શૂટીંગમાં મેળવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને શૂટર્સ માટે સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ પોસ્ટ કરીને અભિનંદન આપ્યાં હતાં.
ભારતીય શૂટર જોડીએ કોરિયન જોડી લી વોનોહો અને ઓહ યે જિનને 16-10થી હરાવીને ચેટોરોક્સની શૂટિંગ રેન્જમાં દેશને તેનો બીજો મેડલ અપાવ્યો હતો.
22 વર્ષની ભાકરે અગાઉ રવિવારે આ જ સ્થળે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં વ્યક્તિગત રીતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને ટોક્યો 2020માં નિરાશાજનક ઓલિમ્પિક ડેબ્યૂની સ્મૃતિ ભૂંસી નાખી હતી. તે સમયે તેની પિસ્ટલમાં ખામી સર્જાઈ હતી અને આંખમાં આંસુઓ આવી ગયા હતાં.
મનુ ભાકર પહેલા બ્રિટિશ-ભારતીય એથ્લેટ નોર્મન પ્રિચર્ડે 1900 ઓલિમ્પિક્સમાં 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટર હર્ડલ્સમાં બે સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા. તે સિદ્ધિ જો કે, ભારતની આઝાદી પહેલાની હતી. હરિયાણાના અંબાલાના સરબજોત માટે પણ મંગળવારનો મેડલ એક સિદ્ધિ છે. સરબજોત વર્લ્ડ ચેમ્પિયનશિપ, વર્લ્ડ કપ અને એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલિસ્ટ છે.
મનુ ભાકરે જણાવ્યું હતું કે “હું ખરેખર ગર્વ અનુભવું છું અને આશીર્વાદ માટે સૌનો આભાર.”
અગાઉ રવિવારે મનુ ભાકર 10 મીટર એર પિસ્ટલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેળવીને ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી. આ બ્રોન્ઝ મેડલ પેરિસ ગેમ્સમાં ભારતનો પ્રથમ મેડલ હતો અને ભારતીય મહિલા શૂટર્સ માટે 12 વર્ષની આતુરતાનો અંત આવ્યો હતો.

LEAVE A REPLY