(Photo by -/AFP via Getty Images)

ટીવી પડદાની જાણીતી અભિનેત્રી શિલ્પા શિંદે અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે. શિલ્પા શિંદે અત્યારે એક્શન-સ્ટંટ આધારિત રીયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’માં જોવા મળી રહી છે. શિલ્પા તેના સ્પષ્ટ નિવેદનો માટે પણ ખૂબ જ જાણીતી છે. આ દરમિયાન તેણે એક મોટી સ્પષ્ટતા કરીને બધાને ચોંકાવ્યા છે. શિલ્પા શિંદેએ હિન્દી ફિલ્મ નિર્માતા પર શારીરિક છેડતી કરવાનો ગંભીર આરોપ મુક્યો હતો.

શિલ્પા શિંદેએ મીડિયા સાથેની ચર્ચામાં દાવો કર્યો હતો કે, તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં તેને ઓડિશનની આડમાં ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા માટે કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ હેમા કમિટીનો રીપોર્ટ જાહેર થયા પછી ઘણા કલાકારોએ છેડતી અને સેક્સ્યુઅલ હુમલાના તેમના અનુભવો જાહેર કર્યા પછી આ ઘટસ્ફોટ થયો છે.

શિલ્પા શિંદેએ 1998-99ની આસપાસ તેના સંઘર્ષના દિવસો દરમિયાન બનેલી ઘટના વિશે વિગતથી જણાવ્યું હતું. તેને ચોક્કસ કપડાં પહેરવા અને એક દ્રશ્ય કરવા માટે સૂચના આપવામાં આવી હતી જેમાં તેણે ફિલ્મ નિર્માતાને લલચાવવાના હતા. શિંદેએ કહ્યું, તે વ્યક્તિએ મારા પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો અને હું ખૂબ ડરી ગઈ. હું તેને ધક્કો મારીને બહાર ભાગી ગઈ.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, સિક્યુરિટી સ્ટાફને સમજાયું કે શું થયું છે અને મને તરત જ ત્યાંથી જવાનું કહ્યું. પોતાના આરોપોમાં ગંભીરતા હોવા છતાં શિંદેએ ફિલ્મ નિર્માતાની ઓળખ જાહેર ન કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાના નિર્ણય વિશે જણાવતા તેણે કહ્યું, તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હતો. હું આ સીન કરવા માટે સંમત થઈ કારણ કે તે એક અભિનેતા પણ હતો.

શિલ્પાએ કહ્યું, હું ખોટું નથી બોલી રહી, પરંતુ હું તેનું નામ નથી લઈ શકતી. તેમના બાળકો કદાચ મારાથી થોડા નાના છે, અને જો હું તેમનું નામ લઉં તો તેમને પણ દુઃખ થાય. થોડા વર્ષો પછી હું તેને ફરીથી મળી અને તેણે મારી સાથે પ્રેમથી વાત કરી. તેણે મને ઓળખી નહોતી અને મને ફિલ્મમાં રોલ ઓફર પણ કર્યો હતો. મેં તેમને ના કહી હતી. શિલ્પાએ કબૂલ્યું કે આ બધું દરેક સાથે થાય છે. અમે અભિનેતા તરીકે તેના વિશે વાત કરીએ છીએ, અન્ય લોકોએ મને કહ્યું છે કે આવું પ્રસિદ્ધ સેલિબ્રિટી સાથે પણ થાય છે, તે પણ સમાન પરિસ્થિતિઓનો સામનો કરે છે.

LEAVE A REPLY