અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મુંબઈના જુહુ વિસ્તારમાં તેમનું ઘર અને પુણેમાં ફાર્મહાઉસ ખાલી કરવા માટેની EDની નોટિસને બોમ્બે હાઈકોર્ટ પડકારી હતી. આ મની લોન્ડરિંગ કેસ કથિત બિટકોઇન ફ્રોડ સંબંધિત છે.
કોર્ટે તેમની અરજીની સુનાવણી કર્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને નોટિસ આપી હતી અને વધુ સુનાવણી ગુરુવાર સુધી મોકૂફ રાખી હતી. ઇડીએ 27 સપ્ટેમ્બરે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને નોટિસ આપી હતી કે તેઓ કથિત બિટકોઇન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દસ દિવસમાં મુંબઈ ખાતેનું તેમનું નિવાસસ્થાન અને પૂણે ખાતેનું ફાર્મ હાઉસ ખાલી કરે.
દંપતીના એડવોકેટ પ્રશાંત પાટીલે જણાવ્યું હતું કે શેટ્ટી અને કુન્દ્રાને 3 ઓક્ટોબરે જ ખાલી કરાવવાની નોટિસ મળી હતી. તેમણે નોટિસોને મનસ્વી અને ગેરકાયદેસર ગણાવી હતી અને તેને રદ કરવાની માંગ કરી હતી. અરજીકર્તાઓ માનવતાના ધોરણે પણ રાહતની માંગ કરી રહ્યા છે કારણ કે પ્રશ્નમાં રહેલું સ્થળ તેમનું રહેણાંક સ્થળ છે જેમાં તેઓ લગભગ બે દાયકાથી તેમના છ સભ્યોના પરિવાર સાથે રહે છે.
અરજીમાં જણાવ્યા મુજબ EDએ 2018માં અમિત ભારદ્વાજ અને અન્ય લોકો સામે કથિત બિટકોઈન છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં શેટ્ટી અને તેના પતિ બંનેનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું નથી. EDએ તેની તપાસ દરમિયાન, કુન્દ્રાને અનેક પ્રસંગોએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતાં. દરેક સમન્સ પછી કુન્દ્રા એજન્સી સમક્ષ હાજર થયા હતાંએપ્રિલ 2024માં શિલ્પા શેટ્ટી અને કુન્દ્રાને જુહુમાં રહેણાંક જગ્યા સહિતની મિલકતો જપ્ત કરવાની ઇડીએ નોટિસ આપી હતી. શેટ્ટી અને કુન્દ્રા બંનેએ નોટિસનો જવાબ આપ્યો હતો.