બોલીવૂડમાં કાર્યરત સ્ટારકિડ્સની યાદીમાં હવે એક નવું નામ ઉમેરાયું છે. વૈશ્વિક ક્ષેત્રે જાણિતા ફિલ્મકાર શેખર કપૂર અને અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિની પુત્રી કાવેરી ફિલ્મોમાં પદાર્પણ કરી રહી છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે કાવેરીની પ્રથમ ફિલ્મ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ ચાલતી હતી.
પિતા શેખર કપૂરની હિટ ફિલ્મ માસૂમથી કાવેરી કારકિર્દીની શરૂઆત કરે તેવી સંભાવના હતી. જોકે કાવેરીએ ‘માસૂમ’2ના બદલે અન્ય ફિલ્મ દ્વારા આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. 1983ના વર્ષમાં આવેલી શેખર કપૂરની ‘માસૂમ’ની સીક્વલ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ હતી. આ ફિલ્મ સાથે શેખર કપૂર પોતાની પુત્રીને બોલીવૂડમાં રજૂ કરવા ઇચ્છતા હોવાનું કહેવાતું હતું. જોકે, આ ફિલ્મના બદલે કાવેરીએ અન્ય પ્રોજેક્ટ સાથે શરૂઆત કરી છે. તેની માતા સુચિત્રાએ સોશિયલ મીડિયા પર ડેબ્યુ ફિલ્મ અંગે જણાવ્યું હતું અને તેનું પોસ્ટર પોસ્ટ કર્યું હતું. ‘બોબી ઔર રિશિ કી લવ સ્ટોરી’ નામની આ ફિલ્મમાં કાવેરીની સાથે મુખ્ય ભૂમિકામાં વર્ધન પુરી છે. પોસ્ટરમાં તેઓ એક વૃક્ષની નીચે રોમેન્ટિક મૂડમાં બેઠેલા જોવા મળે છે. વર્ધન પુરી પણ ફિલ્મી પરિવારમાંથી આવે છે. હિન્દી ફિલ્મોના જાણીતા વિલન અમરીશ પુરીના પૌત્ર વર્ધન સાથે તે જોવા મળશે. અગાઉ ‘હમ તુમ’ અને ‘ફના’ જેવી રોમેન્ટિક ફિલ્મો બનાવનારા ડાયરેક્ટર કુણાલ કોહલી વર્ષોએ પછી આ વિષયક ફિલ્મ બનાવી છે. જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મ ટૂંક સમયમાં ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શેખર કપૂર અને સુચિત્રા કૃષ્ણમૂર્તિએ 1999માં લગ્ન કર્યા હતા. કાવેરીના જન્મ બાદ 2007માં તેઓ છૂટા પડ્યા હતા. શેખર કપૂર તેને ‘માસૂમ 2’ સાથે લોન્ચ કરવા ઇચ્છતા હતા. જોકે આ ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. તેની સીક્વલમાં પણ નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી જોવા મળશે. શેખર કપૂરને પ્રજાસત્તાક દિવસે પદ્મ ભૂષણ એવોર્ડ જાહેર થયો છે
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)