ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક લોકો વર્ષાઋતુમાં જ્યારે મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાતે ઉમટી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ દેશ-વિદેશના પર્યાવરણ-પ્રકૃતિ પ્રેમીઓને સાપુતારા પ્રત્યે આકર્ષિત કરવા માટે 29 જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નું આયોજન કર્યું છે, જે એક મહિના સુધી ચાલશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્વનું ઉદ્ઘાટન કરાશે. અહીં એક મહત્વનું આસ્થાનું સ્થળ છે શબરી ધામ. સાપુતારા આવતા પ્રવાસીઓ મોટાભાગે શબરી ધામની ચોક્કસ મુલાકાત લે છે, કારણ કે આ સ્થળનો ભગવાન શ્રી રામ સાથે સંબંધ છે. સુબીર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે શબરી ધામ અંગે સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવેલ છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન સીતાની શોધમાં અહીં આવ્યા હતાં, જ્યાં તેમના પરમ ભક્ત માતા શબરી પોતાના પ્રભુ શ્રી રામની વાટ જોઈ રહ્યા હતાં. અહીં જ ભગવાન શ્રી રામે માતા શબરીના એંઠા બોર આરોગ્યા હતા અને તેમણે જ ભગવાન શ્રી રામને સીતાની શોધ માટે આગળનો માર્ગ જણાવ્યો હતો. અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. અહીં ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા પર આવેલા ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે સંકળાયેલી રામ-શબરી મિલનના પ્રસંગની તસવીરો તેમ જ મૂર્તિઓ જોવા મળે છે.
રાજ્ય સરકારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)ના માધ્યમથી શબરી ધામ ખાતે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ શરૂ કર્યો છે.
શબરી ધામ ખાતે મોટી સંખ્યામાં ઉમટતા યાત્રાળુઓ-શ્રદ્ધાળુઓની સુવિધા માટે ડિસેમ્બર 2018થી અનેક પ્રકારના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. અહીં અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે યાત્રાળુઓ માટે ઘણી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

LEAVE A REPLY