અમદાવાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી આકસ્મિક રીતે ધારાશાયી થતાં બાજુની રેલવે લાઇનને નુકસાન થયું હતું અને તેના કારણે ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL)એ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ વટવા નજીક બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી કે તેનાથી બાંધવામાં આવેલા માળખાને કોઈ નુકસાન થયું ન હતું.
અમદાવાદ રેલવે વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે રેલ ટ્રાફિક પર અસર પડી હતી, જેના કારણે ઓછામાં ઓછી 25 ટ્રેનો રદ કરાઈ હતી અને 15 ટ્રેનોને આંશિક રીતે રદ કરાઈ હતી. પાંચ ટ્રેનોનું સમયપત્રક બદલાયું હતું અને છ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી.અસરગ્રસ્ત લાઇન પર ટ્રેનોની અવરજવરને સરળ બનાવવા માટે રેલવે લાઇનને સાફ કરવાની કામગીરી ચાલુ કરાઈ હતી.
