ANI PHOTO

ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહની સાથે જ ઓસ્કાર એવોર્ડ 2025નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઓસ્કાર એવોર્ડને સમારંભને હજુ બે મહિના બાકી છે ત્યારે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા આ વર્ષના ઓસ્કાર એવોર્ડ નોમિનેશનમાં પસંદ થયેલી 323 ફીચર ફિલ્મોની યાદી જાહેર થઈ છે. 207 ફિલ્મોની શ્રેષ્ઠ ફિલ્મ શ્રેણીમાં પસંદગી થઇ છે, જેમાં સંતોષ અને વીર સાવરકર સહિત સાત ભારતીય ફિલ્મોનો સમાવેશ થાય છે.

97મા ઓસ્કાર એવોર્ડની સ્પર્ધામાં યોગ્યતા ધરાવતી સાત ભારતીય ફિલ્મોમાંથી ત્રણ હિન્દી ભાષાની છે. જેમાં સંતોષ, સ્વાતંત્ર્ય વીર સાવરકર અને ગર્લ્સ વિલ બી ગર્લ્સનો સમાવેશ થાય છે. ઓલ વી ઈમેજિન એઝ લાઈટને મલયાલમ અને હિન્દી બંને ભાષાની ફિલ્મ કહેવાય છે. આ ઉપરાંત મલયાલમ ફિલ્મ ધ ગોટ લાઈફ, તમિલ ફિલ્મ કંગુવા અને બંગાળી ફિલ્મ પુટુલનો સમાવેશ થાય છે.

પુટુલનાં નિર્માતા-દિગ્દર્શક ઈન્દિરા ધાર છે અને ઓસ્કાર એવોર્ડમાં નોમિનેશન માટે પસંદ થયેલી પ્રથમ બંગાળી ફિલ્મ છે. કંગુવા અને સ્વાતંત્ર્ય વીર સાવરકર પાસે મેકર્સને ખૂબ અપેક્ષા હતી. સુરિયા અને રણદીપ હુડાએ આ ફિલ્મો માટે ખૂબ મહેનત કરી હતી. જોકે, દર્શકોને આકર્ષવામાં આ ફિલ્મો નિષ્ફળ ગઇ હતી. અન્ય ફિલ્મો પણ બિઝનેસની રીતે ખાસ સફળ થઇ નથી.

ઓસ્કાર નોમિનેશન માટે વોટિંગની પ્રક્રિયા 8થી 12 જાન્યુઆરી સુધી થઇ હતી. નોમિનેટ થયેલી ફિલ્મોનું લિસ્ટ 17મીએ જાહેર થશે. 2 માર્ચથી હોલીવૂડમાં એકેડમી એવોર્ડ્સનો પ્રારંભ થશે. એકેડમી દ્વારા 10 કેટેગરી માટે પસંદગી યાદી જાહેર કરી છે. જેમાં એનિમેટેડ શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી ફીચર, ડોક્યુમેન્ટ્રી શોર્ટ, ઈન્ટરનેશનલ ફીચર, લાઈવ એક્શન શોર્ટ, મેકઅપ અને હેરસ્ટાઈલિંગ, ઓરિજિનલ સ્કોર, ઓરિજિનલ સાઉન્ડ અને વિઝ્યુલ ઈફેક્ટનો સમાવેશ થાય છે.

ઓસ્કારમાં સ્ટેન્ડ આઉટ એન્ટ્રી અનુજા ફિલ્મ છે, ભારતીય મૂળ ધરાવતી આ શોર્ટ ફિલ્મને બે વખત ઓસ્કાર વિજેતા ગુનીત મોંગાએ બનાવી છે. આ ફિલ્મને લાઈવ એક્શન શોર્ટ કેટેગરીમાં પસંદગી મળી છે. કિરણ રાવની લાપતા લેડીઝને ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી જાહેર કરાઈ છે. જો કે 97મા એકેડમી એવોર્ડ્સની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ્સ કેટેગરીમાં તેની પસંદગી થઈ નથી.

LEAVE A REPLY