વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં બુધવારે ૭૦ વર્ષ અને વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વાર્ષિક રૂ.૫ લાખના ફ્રી હેલ્થ ઇન્શ્યોરન્સ આપવાની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. આ યોજનાથી આશરે છ કરોડ વરિષ્ઠ નાગરિકોને લાભ થશે. હાલમાં સરકાર આયુષ્યમાન યોજના હેઠળ ગરીબ લોકોને મફત સારવારનો લાભ આપે છે.
કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રૂ.૫ લાખના ફ્રી હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ વરિષ્ઠ નાગરિકોના લગભગ ૪.૫ કરોડ પરિવારને મળશે. યોજનાનો લાભ મેળવવાપાત્ર લોકોને સ્કીમ અંતર્ગત વિશેષ કાર્ડ ઇશ્યૂ કરાશે. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર “આયુષમાન ભારત પીએમ-જય (એબી પીએમ-જય) યોજના હેઠળ પહેલેથી આવરી લેવાયા હોય એવા ૭૦ કે વધુ વર્ષની વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને હવે દર વર્ષે રૂ.૫ લાખનો વધારાનો હેલ્થ ઇન્શ્યોરન્સ મળશે.”