ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરને પ્રાચીન ઇતિહાસમાં અનેકવાર તોડવાના પ્રયાસ થયાં હતા. સોમનાથ મંદિરને લૂંટીને ધર્મનો નાશ કરવા આવેલા વિદેશી આક્રમણખોરોનો પ્રતિકાર કરવા ધર્મપ્રેમીઓએ વીરગતિ વ્હોરી હતી. 14મી સદીમાં મોહમ્મદ તુઘલકની સેનાએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું અને તલવારની અણીએ હજારો લોકોને ધર્માંતરણ કરાવ્યું હતું. તુઘલકની અત્યાચારી સેનાને વીર હમીરજી ગોહિલ અને તેમની સેનાએ મોટો પડકાર આપ્યો હતો. આ યુદ્ધમાં વીરગતિ પામેલા વીર હમીરજી ગોહિલના જીવન આધારિત ફિલ્મ ‘કેસરી વીરઃ લીજન્ડ ઓફ સોમનાથ’ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.
વીર હમીરજી ગોહિલના બલિદાનને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવાના પ્રયાસ ઘણાં સમયથી થઇ રહ્યા હતા. તાજેતરમાં આ અંગે જાહેરાત થઇ છે, જેમાં આ હિસ્ટોરિકલ ડ્રામામાં સોમનાથ મંદિરના રક્ષણ માટે બલિદાન આપનારા વીરોને અંજલિ અપાશે. 14મી સદીમાં તુઘલકની સેનાએ સોમનાથ મંદિરને ત્રણ બાજુથી ઘેરી લીધું હતું. હાર નિશ્ચિત હોવા છતાં વીર હમીરજી ગોહિલ અને તેમની સેનાએ દુશ્મનોનો સામનો કર્યો હતો. તેમણે 10 દિવસ સુધી આક્રમણકારીઓને રોકી રાખ્યા હતા. આ ફિલ્મમાં સૂરજ પંચોલી વીર હમીરજીનો રોલ કરશે. તુઘલકના સેનાપતિના રોલમાં વિવેક ઓબેરોય જોવા મળશે. હિન્દુઓને મુસ્લિમ બનાવવા અને ભવ્ય મંદિરોને લૂંટવા આવેલી તુઘલકની સેનાને અટકાવવાના પ્રયાસમાં સાથ આપનારા વીર સેનાપતિના રોલમાં સુનિલ શેટ્ટી જોવા મળશે. ફિલ્મના કેરેક્ટરને ન્યાય આપવા માટે સૂરજ પંચોલીએ તલવાર બાજી અને ઘોડેસવારીની તાલીમ લીધી છે. વીર હમીરજીના રોલને જીવંત બનાવવા સૂરજે નોન-વેજ છોડ્યું હતું તેવું કહેવાય છે.
ફિલ્મને મોટા બજેટથી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દિલધડક એક્શન સીન્સ માટે ભવ્ય સેટ્સ બનાવવામાં આવ્યા છે. 14મી સદીના ભારતની ઝલક આપતાં દૃશ્યોને આબેહૂબ રજૂ કરવાના પ્રયાસ પણ થયા છે. ‘કેસરી વીરઃ લીજન્ડ ઓફ સોમનાથ’નું દિગ્દર્શન પ્રિન્સ ધીમાન કરી રહ્યા છે, જેઓ અગાઉ કોનેન અને ફોરએવર વ્હિમ જેવા પ્રોજેક્ટ્સ કરી ચૂક્યા છે. કનુ ચૌહાણે ચૌહાણ સ્ટુડિયોઝના બેનર હેઠળ આ ફિલ્મને ફાઈનાન્સ કર્યું છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી પ્રથમવાર સાથે જોવા મળશે. જાણીતી અભિનેત્રી આકાંશા શર્મા પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું હોવાનું કહેવાય છે.