ભારતના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજને યુએસ વિઝા નકારવામાં આવ્યાં હતા. અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત રામ લલ્લાની મૂર્તિના શિલ્પકાર મૈસૂર સ્થિત યોગીરાજ આ મહિનાના અંતમાં 20 દિવસના પ્રવાસે અમેરિકા જવાના હતા, એમ તેમના પરિવારના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. અમેરિકાએ વિઝા કેમ નકાર્યા છે તેની વિગતો જાહેર થઈ નથી.
41 વર્ષીય શિલ્પકાર વર્જિનિયાના રિચમોન્ડમાં 12મી AKKA (એસોસિએશન ઑફ કન્નડ કૂટાસ ઑફ અમેરિકા) વર્લ્ડ કન્નડ કોન્ફરન્સમાં હાજરી આપવાના હતાં.તેઓ યુએસમાં અન્ય કેટલાક કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના હતાં.
પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે “તેમણે વિઝા માટે અરજી કરી હતી, તમામ કોલમ ભર્યા હતાં અને જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતાં પરંતુ તેમની અરજી નકારી કાઢવામાં આવી હતી. કારણ જાણી શકાયું નથી.”
અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તે અરુણ યોગીરાજ દ્વારા બનાવાઈ હતી. અરુણ યોગીરાજની ઘણી પેઢીઓ મૂર્તિઓ બનાવતી રહી છે, પરંતુ રામલલાની મૂર્તિ બનાવીને અરુણ દેશ અને દુનિયામાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે.