
ગત જુલાઈ માસમાં લેન્ડસ્લાઇડ વિજય મેળવ્યા બાદ સ્કોટિશ લેબર ડીવોલ્યુશન પછીના સૌથી ખરાબ હોલીરૂડ ચૂંટણી પરિણામો તરફ આગળ વધી રહ્યું છે. એક સર્વે મુજબ 2026ની હોલીરૂડ ચૂંટણીમાં માત્ર 18 ટકા મતદારો જ લેબર પાર્ટીને સમર્થન આપશે અને તેના કારણે લેબર અને કન્ઝર્વેટિવ્સ 18-18 બેઠકો મેળવશે એમ લાગી રહ્યું છે. આ અઠવાડિયે લેબર પાર્ટીની સ્કોટિશ કોન્ફરન્સ પર આ પરિણામો એક ફટકા સમાન છે.
ધ સન્ડે ટાઈમ્સ માટે 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરાયેલ 1,026 લોકોના નોર્સ્ટેટ પોલમાં બહાર આવ્યું હતું કે સ્કોટલેન્ડમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને સર કેર સ્ટાર્મર અથવા કેમી બેડેનોક કરતાં વધુ સારા નેતા માનતા હતા. તો SNPના જોન સ્વિની લેબરના અનસ સરવર અથવા સ્કોટિશ ટોરી નેતા રસેલ ફીન્ડલે કરતાં વધુ લોકપ્રિય હતા.
સ્કોટલેન્ડની સ્વતંત્રતા માટે લોકો 50-50 મત ધરાવે છે અને સ્વતંત્રતાના મતમાં છેલ્લા નોર્સ્ટેટ પોલથી ચાર પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. એવો અંદાજ છે કે SNP આગામી ચૂંટણીઓમાં 55 MSP અને ગ્રીન્સ દસ મેળવશે. SNP નેતા સ્વિનીને બ્યુટ હાઉસમાં ફર્સ્ટ મિનિસ્ટર તરીકે પાછા ફરશે.
ટોરી તેના 31 MSP માંથી 13 અને લેબર ચાર બેઠકો ગુમાવશે. રિફોર્મ યુકેને 15 બેઠકો મળશે, અને લિબરલ ડેમોક્રેટ્સ વધારાની નવ બેઠકો મેળવશે, જેનાથી ચેમ્બરમાં તેમની સંખ્યા 13 MSP સુધી પહોંચી જશે. SNP લગભગ ત્રણ-ચતુર્થાંશ મતવિસ્તાર બેઠકો જીતવાની દિશામાં આગળ વધી રહી છે.
સ્વિનીનો સંસદીય પ્રભાવ 2011માં એલેક્સ સૅમન્ડ દ્વારા જીતવામાં આવેલી 69 બેઠકોની બહુમતી કરતાં ઘણો ઓછો હશે.
જુલાઈની સામાન્ય ચૂંટણીમાં, સ્ટાર્મરની પાર્ટીએ સ્કોટલેન્ડમાં 37 બેઠકો જીતી SNP બેન્ચનો નાશ કર્યો હતો અને SNP પાર્ટીને ફક્ત નવ બેઠકો મળી હતી. જો આજે સંસદની ચૂંટણી થાય તો SNPને 38 અને લેબરને આઠ બેઠકો મળશે. જ્યારે લિબરલ ડેમોક્રેટ્સ તેના વર્તમાન છ સાંસદો અને કન્ઝર્વેટિવ્સ પાંચ સાંસદો જાળવી રાખશે.
ફરાજની પાર્ટી કામદાર વર્ગના મતદારોમાં લેબર કરતાં વધુ લોકપ્રિય છે અને 18 ટકા લોકો રિફોર્મને અને 15 ટકા લેબરને પસંદ કરે છે. SNP પછી, વૃદ્ધ પુરુષોમાં રિફોર્મ બીજા ક્રમનો સૌથી લોકપ્રિય પક્ષ છે.
ગયા વર્ષે એપ્રિલમાં હમઝા યુસુફે ફર્સ્ટ મિનિસ્ટર પદેથી રાજીનામું આપ્યા પછી, લેબર પાર્ટી 33 ટકાના ટોચના સ્કોરથી 15 પોઈન્ટ નીચે આવી ગઈ છે, જે SNP કરતા એક પોઈન્ટ દૂર છે.
