(ANI Photo)

ગુજરાતમાં 27 એપ્રિલથી કાળઝાળ ગરમીનો દોર ફરી ચાલુ થયો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમીનો યલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો. 26 અને 28 એપ્રિલ માટે હીટવેવનો યલો એલર્ટ અને તે પછી 2 મે સુધી ઓરેન્જ એલર્ટ જારી કરાયો હતો.

રવિવારે કંડલામાં મહત્તમ તાપમાન ૪૫.૬ ડિગ્રી સુધી પહોંચ્યું હતુ.  રાજકોટમાં ૪૪.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૪.૩ ડિગ્રી, ભુજમાં ૪૩.૮ ડિગ્રી અને અમરેલીમાં ૪૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રવિવાર, 27 એપ્રિલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં સોમવારે તાપમાન વધીને 43 ડિગ્રી થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી સમયગાળામાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થવાની ધારણા છે. મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી રહી શકે છે.

આકાશમાં આકરો તાપ વરસતા લોકો ગરમીથી ત્રસ્ત થયા હતા. બપોરે દાહક ગરમીના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. પંખામાંથી પણ ગરમ હવા ફેંકાતા બપોરનો સમય પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. બપોરના આકરા તાપના કારણે મોડી સાંજે પણ ઉકળાટનો અનુભવ થયો હતો.

હિટવેવની આગાહીને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત કરી બિનજરૂરી ગરમીમાં બપોરના સમયે બહાર નહી નીકળવા, વધુ પાણી પીવા અને કોટન તેમજ શરીર સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની અપીલ કરી હતી

LEAVE A REPLY