ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિનાયક દામોદર સાવરકર પર બેજવાબદાર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝાટક્યા હતા. તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ સ્વાતંત્ર્ય સેનાની પર બેજવાબદાર નિવેદન કરશે તો કોર્ટ તેની જાતે નોંધ લઈને કાર્યવાહી કરશે. જોકે સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધી સામેની ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી હતી. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને મનમોહનની ખંડપીઠે રાહુલ ગાંધી વતી હાજર રહેલા વકીલ અભિષેક સિંઘવીને સવાલ કર્યો હતો કે શું તમારા અસીલને માહિતી છે કે મહાત્મા ગાંધી પણ બ્રિટિશ વાઇસરોયને સંબોધતી વખતે ‘તમારા વિશ્વાસુ સેવક’ જેવા શબ્દોનો ઉપયોગ કરતાં હતાં? શું આનાથી મહાત્મા ગાંધીને બ્રિટિશરોના નોકર કહી શકાય. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા સવાલ કર્યો હતો કે શું તમારા ક્લાયન્ટને ખબર છે કે તેમના દાદી (ઇન્દિરા ગાંધી) વડાંપ્રધાન હતાં, ત્યારે તેમણે પણ આ સજ્જન (સાવરકર)ની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો?” આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે બેજવાબદાર નિવેદનો ન કરવા જોઇએ. તમે કાયદાના સારો મુદ્દો ઉઠાવ્યો છે, તમને સ્ટેનો અધિકાર છે. અમે તેના પર કંઈ કહી રહ્યા નથી. તેમના (રાહુલ ગાંધી)ના હવેના કોઈપણ નિવેદન પર સુઓ મોટો નોંધ લેવાશે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પર હવે કોઈ પણ શબ્દ નહીં… તેમણે આપણને સ્વતંત્રતા આપી છે અને આપણે તેમની સાથે આ રીતે વર્તન કરીએ શકીએ? આ યોગ્ય નથી. આ પછી સર્વોચ્ચ અદાલતે ઉત્તરપ્રદેશ સરકાર અને ફરિયાદી એડવોકેટ નૃપેન્દ્ર પાંડેને નોટિસ ઇસ્યુ કરી અને અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. હાઇકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ ટ્રાયલ કોર્ટના સમન્સને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.
