‘પાસપોર્ટ વગર’ અમેરિકા ભાગી ગયેલા એક શખ્સ સામે ભારતની સુપ્રીમ કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. આ શખ્સ પોતાના 10 વર્ષના પુત્રની કસ્ટડી મેળવવા માટે પત્ની સામેની લડતમાં અમેરિકા ભાગી ગયો હતો અને તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા હતો. આ શખ્સ કોર્ટના આદેશનો અનાદર કરવાના ગુનાનો પણ સામનો કરી રહ્યો હતો.
ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલિયાના નેતૃત્ત્વમાં બેન્ચે તાજેતરમાં જણાવ્યું હતું કે, “અમને એ બાબતનું આશ્ચર્ય થાય છે કે કથિત અનાદર કરનાર શખ્સ પાસપોર્ટ વગર અમેરિકા કે અન્ય દેશમાં કેવી રીતે જઈ શકે, કારણ કે તેનો પાસપોર્ટ આ કોર્ટની કસ્ટડીમાં છે. જે કંઇ પણ હોય, આજે અમારી પાસે શખ્સ સામે બિન-જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.” ન્યાયમૂર્તિ પ્રશાંતકુમાર મિશ્રા સાથેની બેન્ચે ગૃહ મંત્રાલયને આ શખ્સને પકડવા અને તેને કોર્ટમાં લાવવા માટે શક્ય તમામ કાયદાકીય પગલાં લેવા સૂચના આપી હતી. બેન્ચે અધિક સોલિસિટર જનરલ (ASG) કેએમ નટરાજને વિનંતી કરી હતી કે, તેઓ ગૃહ મંત્રાલયની મદદથી એ માહિતી મેળવે કે, આ વ્યક્તિ પાસપોર્ટ અને મંજૂરી વગર ભારતમાંથી બહાર કેવી રીતે જઇ શક્યો હતો. આ કથિત ગુનેગારને ફરાર થવામાં કોણે મદદ કરી અને તેમાં સામેલ અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓ કોણ હતા તેની માહિતી આપવા ASGને આદેશ આપતા, બેન્ચે આ કેસની સુનાવણી 19 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે.
આ શખ્સના સીનિયર એડવોકેટ વિકાસ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે, “આ શખ્સ ગ્રીન કાર્ડધારક હતો અને તેની બીજી પત્ની અને તેનો પુત્ર બંને અમેરિકન નાગરિક છે. તેની બીજી પત્નીએ અમેરિકાની સરકારને અરજી કરી હતી કે, ભારતની સુપ્રીમ કોર્ટે તેનો પાસપોર્ટ જપ્ત કર્યો હોવાથી તે ફસાયો છે. તેની બીજી પત્નીની વિનંતીને ધ્યાનમાં રાખીને તેને અમેરિકાનો પાસપોર્ટ ઇસ્યુ થયો હતો, જેના આધારે તે જતો રહ્યો છે. એવું નથી કે તે છુપાઇને અથવા યોગ્ય ડોક્યુમેન્ટ્સ વગર ગયો હોય.”