હજ યાત્રા નજીક આવી રહી છે ત્યારે, સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 14 દેશોના નાગરિકોને અમુક પ્રકારના વિઝા આપવાનું કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધું છે. ઉમરાહ, બિઝનેસ અને પારિવારિક મુલાકાત વિઝા પરનો પ્રતિબંધ જૂનના મધ્યભાગ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા સુધીમાં મક્કાની હજયાત્રાનું પણ સમાપન થાય છે.

આ પ્રતિબંધ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા, યમન અને મોરોક્કો સહિત 14 દેશોને અસર કરે છે.
યોગ્ય નોંધણી વગર હજયાત્રા કરવાનો પ્રયાસ કરતા વ્યક્તિઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે, ઉમરાહ વિઝા ધરાવતા વ્યક્તિઓ 13 એપ્રિલ સુધી સાઉદી અરેબિયામાં પ્રવેશ કરી શકે છે.

અહેવાલોમાં જણાવાયું છે કે ભૂતકાળમાં ઘણા વિદેશી નાગરિકો ઉમરાહ અથવા વિઝિટ વિઝા પર દેશમાં પ્રવેશ્યા હતાં અને પછી સત્તાવાર પરવાનગી વિના હજમાં ભાગ લેવા માટે ગેરકાયદેસર રીતે વધુ સમય રોકાયા હતાં. તેનાથી ભીડમાં વધારો થયો હતો. 2024માં હજ દરમિયાન આવી જ એક ઘટનામાં ઓછામાં ઓછા 1,200 યાત્રાળુઓ માર્યા ગયા હતા.

LEAVE A REPLY