અમદાવાદમાં આઠ એપ્રિલ 2025ના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની વિસ્તૃત બેઠક દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિરોધ પક્ષના નેતા અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી, પાર્ટીના સંસદીય અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ, પાર્ટીના નેતાઓ પી. ચિદમ્બરમ, અજય માકન, અંબિકા સોની, સેલજા કુમારી અને અન્ય (ANI ફોટો)

અમદાવાદમાં સરદાર પટેલ મેમોરિયલ ખાતે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં તેમના પ્રારંભિક ભાષણમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા આરએસએસના વિચારોની વિરુદ્ધ હતી અને આજે તે સંગઠન જેનું સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ યોગદાન નથી તે તેમના વારસાનો દાવો કરે છે તે હાસ્યાસ્પદ છે.

સરદાર પટેલને ટાંકીને ખડગેએ જણાવ્યું હતું કે સંગઠનાત્મક તાકાત મહત્વપૂર્ણ છે અને સંગઠન વિના માત્ર સંખ્યાઓ અર્થહીન છે.છેલ્લા ઘણા વર્ષોથી, ઘણા રાષ્ટ્રીય નાયકો અંગે એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.છેલ્લા ૧૪૦ વર્ષથી દેશની સેવા અને લડાઈનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતા કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. આ કામ એવા લોકો કરી રહ્યા છે જેમની પાસે પોતાની સિદ્ધિઓ બતાવવા માટે કંઈ નથી.

સરદાર પટેલ અને પંડિત નહેરુ એક સિક્કાની બે બાજુ હતાં

તેમણે ભાજપ-આરએસએસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું યોગદાન બતાવવા માટે ભાજપ-આરએસએસ પાસે કંઇ નથી. તેઓએ એવું બતાવવાનું કાવતરું ઘડ્યું કે સરદાર પટેલ અને પંડિત નેહરુ એકબીજાની વિરુદ્ધ હતા. સત્ય એ છે કે તેઓ એક જ સિક્કાની બે બાજુ હતા. ઘણી ઘટનાઓ અને દસ્તાવેજો તેમના સૌહાર્દપૂર્ણ સંબંધોના સાક્ષી છે. બંને વચ્ચે લગભગ દરરોજ પત્રવ્યવહાર થતો હતો. નેહરુ બધી બાબતોમાં તેમની સલાહ લેતા હતાં. નેહરુને પટેલ સાહેબ પ્રત્યે ખૂબ માન હતું. જો તેમને કોઈ સલાહ લેવી પડે તો તેઓ પોતે પટેલના ઘરે જતા. સરદાર પટેલની સુવિધા માટે CWCની બેઠકો તેમના નિવાસસ્થાને યોજાતી હતી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર પટેલની વિચારધારા RSSના વિચારોની વિરુદ્ધ હતી અને તેમણે સંગઠન પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો.પરંતુ એ હાસ્યાસ્પદ છે કે આજે તે સંગઠનના લોકો સરદાર પટેલના વારસાનો દાવો કરે છે.

તેમણે દાવો કર્યો કે બાબા સાહેબ આંબેડકરને બંધારણ સભાના સભ્ય બનાવવામાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.૨૫ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ બંધારણ સભામાં આપેલા પોતાના છેલ્લા ભાષણમાં આંબેડકરે પોતે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના સમર્થન વિના બંધારણ બની શક્યું ન હોત. પરંતુ જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું, ત્યારે RSSએ ગાંધીજી, પંડિત નેહરુ, ડૉ. આંબેડકર અને કોંગ્રેસની ખૂબ ટીકા કરી હતી તેમણે રામલીલા મેદાનમાં બંધારણ અને આ નેતાઓના પુતળાઓનું દહન કર્યું હતું.

ગુજરાતમાં જન્મેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલે કોંગ્રેસને વિખ્યાત બનાવીઃ ખડગે

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે સરદાર પટેલ સાહેબ અમારા હૃદયમાં વસે છે, આપણા વિચારોમાં વસે છે. અમે તેમના વારસાને આગળ વધારી રહ્યા છીએ. આ વિચારને ધ્યાનમાં રાખીને અમે અમદાવાદમાં સરદાર પટેલ મ્યુઝિયમ ખાતે CWCની આ બેઠકનું આયોજન કર્યું છે. અમે તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ.”આ વર્ષ મહાત્મા ગાંધીજીના કોંગ્રેસ પ્રમુખ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કર્ણાટકમાં બેલાગવી કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ બન્યા હતાં. ગુજરાતની ધરતી પર જન્મેલા ત્રણ મહાન વ્યક્તિઓએ કોંગ્રેસનું નામ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કર્યું હતું. દાદા ભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભ ભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હતા.

LEAVE A REPLY