સરેના વોકિંગમાં એક ઘરમાંથી મૃત હાલતમાં મળી આવેલી 10 વર્ષની બાળકી સારા શરીફની હત્યા બાબતે પોલીસે તેના પાકિસ્તાન ભાગી ગયેલા પિતા ઉર્ફાન શરીફ, તેની પાર્ટનર બેનાશ બતુલ (ઉ.વ. 29) અને ભાઈ ફૈઝલ શહઝાદ મલિક (ઉ.વ. 28)ની વૈશ્વિક શોધ આદરી છે. સારા શરીફને લાંબા સમય સુધી માર મારવાના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી એમ પોલીસે જણાવ્યું હતું
સારા શરીફનો મૃતદેહ મળી આવ્યો તેના આગલા દિવસે બુધવારે 9 ઓગસ્ટે તેઓ યુકેથી પાકિસ્તાન ગયા હતા. ઉર્ફાન શરીફે (ઉ.વ. 41) બેતુલ, તેના ભાઈ અને પાંચ બાળકો સાથે ઈસ્લામાબાદ ઉતર્યા પછી તરત જ યુકેમાં 999 ઉપર કોલ કરી જાણ કરતા પોલીસ અધિકારીઓએ ગુરુવાર 10 ઓગસ્ટના રોજ મળસ્કે હેમન્ડ રોડ, વોકિંગના ઘરે જઇ તપાસ કરતા સારાનો મૃતદેહ બહુ બધી ગંભીર ઇજાઓ સાથે મળ્યો હતો.
સરે પોલીસ અને સસેક્સ પોલીસ મેજર ક્રાઈમ ટીમના ડેટ સુપ્ટ માર્ક ચેપમેને જણાવ્યું હતું કે ‘’પાંચ બાળકો એકથી 13 વર્ષની વયના હતા. અમે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ, ઇન્ટરપોલ, નેશનલ ક્રાઈમ એજન્સી, ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ સાથે મળીને પાકિસ્તાન સત્તાવાળાઓ સાથે વાત કરી રહ્યા છીએ.”
તેમણે વોકિંગના ટ્રાવેલ એજન્ટ નદીમ રિયાઝ પાસેથી પિતરાઈ ભાઈનું અવસાન થયું છે તેમ કહી કુલ આઠ વન-વે ટિકિટ બુક કરાવી હતી. તેઓ બહેરીન થઈને ઈસ્લામાબાદ પહોંચ્યા હતા.
સારા શરીફ અંગે અગાઉથી ઓથોરિટીઝને જાણ હતી તેમ બહાર આવ્યું છે. સરે કાઉન્ટી કાઉન્સિલે જણાવ્યું છે કે ‘’સારાના મૃત્યુ બાદ સંપૂર્ણ સમીક્ષા પ્રક્રિયા ચાલી રહી છે અને સરે સેફગાર્ડિંગ ચિલ્ડ્રન પાર્ટનરશિપની સંપૂર્ણ સમીક્ષા પ્રક્રિયા ચાલુ હોવાથી અમે વધુ ટિપ્પણી કરી શકતા નથી.”
પાકિસ્તાન પોલીસે કહ્યું હતું કે તેઓ સારાના મૃત્યુના સંબંધમાં શરીફની ધરપકડ કરવા માગે છે. શરીફનું ઘર ઇસ્લામાબાદથી લગભગ 84 માઈલ દૂર પંજાબના ઝેલમમાં કારી ગામમાં આવેલું છે અને છુપાતા પહેલા તેણે કારી ગામની મુલાકાત લીધી હતી.
યુકે અને પાકિસ્તાન વચ્ચે કોઈ ઔપચારિક પ્રત્યાર્પણ સંધિ નથી.