કેનેડાથી પરત બોલાવાયેલી ભારતીય રાજદૂત સંજય વર્મા (PTI Photo)

કેનેડામાં અભ્યાસનું સપન જોતા ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત કરતાં કેનેડાથી તાજેતરમાં  પરત આવેલા ભારતના રાજદૂત સંજય વર્માએ જણાવ્યું હતું કે કેનેડામાં અભ્યાસ માટે જતાં પહેલા ભારતીયો વિદ્યાર્થીઓએ બે વાર વિચારવું જોઈએ, કારણ કે લાખો રૂપિયા ખર્ચવા છતાં ઘણા વિદ્યાર્થીઓ નબળી કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમને સારી નોકરીની કોઇ સંભાવના નથી, પરિણામે તેઓ હતાશા અને આત્મહત્યા જેવી સ્થિતિમાં ફસાઈ રહ્યા છે.

2022થી કેનેડામાં ભારતના હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતા સંજય વર્માએ એક  ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા કાર્યકાળમાં એક સમયે, અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓના મૃતદેહ બોડી બેગમાં ભારત મોકલવામાં આવતાં હતાં. વિદ્યાર્થીઓ નિષ્ફળતા પછી તેમના માતાપિતાનો સામનો કરવાને બદલે આત્મહત્યા કરતાં હતાં.

ખાલિસ્તાની આતંકી નિજ્જરના મુદ્દે કેનેડા સાથેના વિવાદ વચ્ચે ભારત સરકારે સંજય વર્માને આ મહિનાની શરૂઆતમાં દેશમાં પરત બોલાવી લીધા હતાં. કેનેડાએ નિજ્જરની હત્યામાં સંજય વર્મા અને બીજા પાંચ રાજદ્વારીઓની તપાસ કરવાની તૈયારી કરી હતી.

સંજય વર્માએ જણાવ્યું હતું કે જો કેનેડા સાથેના સંબંધો સારા હોત તો પણ તેમણે માતા-પિતાને આવી સલાહ આપી હોત, તેમની આ વિનંતી એક પિતા તરીકેની પણ છે. વિદ્યાર્થીઓ ભવિષ્યનું સ્વપ્ન સાકાર કરવા ત્યાં ગયા હતાં અને બોડી બેગમાં પાછા ફર્યા હતાં. માતા-પિતાએ નિર્ણય કરતાં પહેલા કોલેજોનું સારી રીતે રીસર્ચ કરવું જોઈએ. વિદ્યાર્થીઓની દુર્દશા માટે એજન્ટો પણ જવાબદાર છે. એજન્ટો વિદ્યાર્થીઓને ભાગ્યે જ કોઇ જાણતું હોય તેવી કોલેજોમાં એડમિશન અપાવે છે. આવી કોલેજોમાં અઠવાડિયામાં કદાચ એક વર્ગ ચલાવે છે. વિદ્યાર્થીઓ ખીચોખીચ ભરાયેલા રૂમોમાં રહેતા હોય છે. ક્યારેક એક રૂમમાં આઠ સૂતા હોય છે. તે ખાસ કરીને દુઃખદાયક છે, કારણ કે બાળકો સારા પરિવારોના હોય છે અને તેમના માતા-પિતા તેમના શિક્ષણ પાછળ જંગી ખર્ચ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે સપ્તાહમાં માત્ર એક વાર વર્ગો લેવાતા હોવાથી તેમના કૌશલ્યનો પૂરો વિકાસ થતો નથી. એન્જિનિયરિંગનો ઉચ્ચ અભ્યાસ કરનારને એન્જિનિયરની નોકરી મળે તેવી અપેક્ષા હોય છે, પરંતુ તમે જોશો કે તે કેબ ચલાવી રહ્યો છે અથવા દુકાન પર ચા-સમોસા વેચી રહ્યો છે, તેથી ત્યાંની વાસ્તવિકતા બહુ પ્રોત્સાહક નથી.

રાજદૂતે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાના વિદ્યાર્થીઓ જે ફી ચુકવે છે તેના કરતાં ચાર ગણી ફરી ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે છે. જો તેઓ આટલી રકમ ખર્ચવા જઈ રહ્યા છે, તો તેઓએ સારી રીતે સંશોધન કરવું જોઈએ કે તેમને કેવી સુવિધાઓ મળશે. કેનેડા ગયા પછી વિદ્યાર્થીઓ ફસાઈ જાય છે, કારણ કે તેમાંના ઘણાના માતા-પિતાએ તેમની જમીનો, અન્ય મિલકતો અને સંપત્તિઓ વેચી દીધી હોય છે. તેઓએ લોન લીધી છે. હવે જે છોકરો કે છોકરી, ભણવા ગયા છે તેઓ પાછા ફરવાનું વિચારી શકતા નથી.

 

 

 

 

LEAVE A REPLY