ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાની સોમવારે નિયુક્તિ કરાઈ હતી. તેઓ બુધવારથી ત્રણ વર્ષ માટે આરબીઆઇના વડાનો હવાલો સંભાળશે. એમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
શક્તિકાંત દાસ ભારતીય રિઝર્વ બેંકના 25મા ગવર્નર તરીકે છ વર્ષ પૂર્ણ કર્યા બાદ મંગળવારે હોદ્દા પરથી વિદાય લેશે.
મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990-બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સ સ્નાતક છે અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ કર્યું છે.33 વર્ષથી વધુની કારકિર્દીમાં મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ખાણો વગેરે સહિત અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેઓ મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત થયા તે પહેલાં તેઓ નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવ હતાં.
રિઝર્વ બેન્કના વડા તરીકે મલ્હોત્રા શક્તિકાંત દાસનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ મંગળવારે સમાપ્ત થશે. દાસને 12 ડિસેમ્બર, 2018ના રોજ આરબીઆઈના 25મા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દાસને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું.