ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાના ચીન આપણો દુશ્મન નથી તેવા નિવેદનથી ભારતમાં કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઈ હતી. સામ પિત્રોડાના આ નિવેદનને પગલે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે પિત્રોડાના મંતવ્યો પક્ષના વલણને પ્રતિબિંબિત કરતા નથી.
પિત્રોડાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતની માનસિકતા બદલવાની જરૂર છે અને નવી દિલ્હીએ એવું માનવું બંધ કરવું જોઈએ કે ચીન દુશ્મન દેશ છે. મને લાગે છે કે આપણે ચીન દુશ્મન છે એવું માની લેવા માટેની પેટર્ન બદલવાની જરૂર છે. તે માત્ર ચીન માટે જ નથી, પરંતુ દરેક માટે છે… મને ખબર નથી કે ચીન તરફથી શું ખતરો છે. મને લાગે છે કે આ મુદ્દો ઘણીવાર વધુ પડતો ચગાવવામાં આવે છે.
AICCના જનરલ સેક્રેટરી, કોમ્યુનિકેશન્સ, જયરામ રમેશે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ચાઇના પર સામ પિત્રોડા દ્વારા કથિત રીતે વ્યક્ત કરાયેલા મંતવ્યો ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંતવ્યો નથી.
પિત્રોડાની ટિપ્પણી પર ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે પિત્રોડાએ જે કહ્યું છે તે કોંગ્રેસની માનસિકતાનું પ્રતિક છે અને પિત્રોડાની ટિપ્પણી ચીનના સમર્થનમાં તેના નેતાઓના નિવેદનોને અનુરૂપ છે.
