નવું વર્ષ બોલીવૂડ માટે મહત્ત્વનું બની રહેશે. આ વર્ષે અનેક મોટા સ્ટાર્સની ફિલ્મો પ્રદર્શિત થશે, જેની દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. જેમાં એ.આર. મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત અને એક્શનથી ભરપૂર ડ્રામા, ઈદ પર રિલીઝ થનારી સલમાન ખાનની ‘સિકંદર’ ચર્ચામાં છે. જેમાં સલમાનની સાથે રશ્મિકા મંદાના જોવા મળશે.
31 જાન્યુઆરીએ પ્રદર્શિત થનારી શાહિદ કપૂરની ‘દેવા’ની પણ ચર્ચામાં છે. છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ઐતિહાસિક ગાથા ‘છાવા’માં વિકી કૌશલ અને રશ્મિકા મંદાના છે, જે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહી છે.
આ ઉપરાંત અક્ષયકુમારની સી. શંકરન નાયર પરની બાયોપિક ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નાયર’, 14 માર્ચ ના રોજ સિનેમાઘરોમાં દર્શાવવામાં આવશે. ઈન્સપાયરિંગ એવિએશન ડ્રામા ‘સ્કાય ફોર્સ’ 2જી મેના રોજ અને કોમેડી સિક્વલ ‘હાઉસફુલ 5’ – 6 જૂને રિલીઝ થશે. આમ, 2025ના પ્રથમ છ મહિનામાં વિવિધતાસભર અને રોમાંચક ફિલ્મો આવી રહી છે.
દેવા – 31 જાન્યુઆરી
શાહિદ કપૂર, પૂજા હેગડે અને પાવેલ ગુલાટી અભિનીત ‘દેવા’ની ચર્ચા લાંબા સમયથી છે. જાણીતા મલયાલમ ફિલ્મમેકર રોશન એન્ડ્રુઝ દ્વારા દિગ્દર્શિત ‘દેવા’ એ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. એક વર્ષના લાંબા બ્રેક બાદ શાહિદ કપૂર ફરી મોટા પડદા પર પાછો જોવા મળશે. આ ફિલ્મમાં હાઈ ડ્રામા અને એક્શનથી ભરપૂર રોમાંચક વાર્તા હશે. પૂજા હેગડે અને પાવેલ ગુલાટીના મજબૂત પાત્રો સાથેની ‘દેવા’ને સાઉથ અને બોલિવૂડનું પરફેક્ટ કોમ્બિનેશન કહી શકાય.
સિકંદર – ઈદ
સલમાન ખાન, રશ્મિકા મંદાના, શરમન જોશી અને સત્યરાજ જેવા સ્ટાર્સ સાથે આવી રહેલી ‘સિકંદર’ એક્શન અને ઈમોશનના પરફેક્ટ મિશ્રણ સાથે ઈદની ઉજવણી કરવા માટે તૈયાર છે. મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક એવી વાર્તાની આસપાસ ફરે છે જે સલમાનખાનને રશ્મિકા મંદાના, શરમન જોશી અને સત્યરાજ સાથે ઘણા અલગ રોલમાં દર્શાવે છે. તેની સ્ટાર પાવર અને રસપ્રદ વાર્તા સાથે, ‘સિકંદર’ સુપર હિટ બને તેવી અપેક્ષા છે.
છાવા-14 ફેબ્રુઆરી
છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ‘છાવા’ફિલ્મમાં વિકી કૌશલ ઇતિહાસને ફરી એક વખત જીવંત કરશે. આ ફિલ્મ મરાઠા શૌર્યના પ્રતીક સમાન વીર સંભાજી મહારાજના સંઘર્ષ પર આધારિત છે, જેના દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકર છે. આ ફિલ્મ વેલેન્ટાઇન ડે સાથે શિવાજી જયંતિ પર રિલીઝ થવાની છે. વિકી કૌશલ સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્નાના રોલ મહત્વનો છે.
સ્કાય ફોર્સ – 2 મે
આ એવિએશન ડ્રામા ઐતિહાસિક મિશન દરમિયાન ઇન્ડિયન એરફોર્સની બહાદુરીને ઉજાગર કરે છે. અક્ષયકુમારની ‘સ્કાય ફોર્સ’માં દેશભક્તિની કથા જોવા મળશે. આ વખતે અક્ષયને દેશભક્તિની વાર્તા ફળે છે તે જોવું રહ્યું.
હાઉસફુલ 5 – 6 જૂન
આ લોકપ્રિય સીક્વલ ફિલ્મનો પાંચમો ભાગ અગાઉની તમામ ફિલ્મોનાં કલાકારો સાથે આગળ વધે છે. કોમેડીથી ભરપૂર અને જોરદાર સ્ટાર પાવર સાથે‘હાઉસફુલ 5’ 2025ની અંતિમ કોમેડી મનોરંજક બનવા માટે તૈયાર છે.