બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવારે રાત્રે 2.30 વાગ્યાએ અજાણ્યા શખસે હુમલો કરીને છરીને ઘા માર્યા હતાં. આ ઘટના મુંબઈમાં તેના નિવાસસ્થાને બની હતી. અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને સર્જરી ચાલુ કરાઈ હતી. સૈફ અલી ખાન હવે ખતરાની બહાર હોવાની હોસ્પિટલ સ્ટાફે પુષ્ટિ આપી હતી.
મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ઘુસણખોર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. સૈફ અલી ખાન સૂતા હતa ત્યારે એક ઘુસણખોર તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો.અભિનેતા અને ઘુસણખોર વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ પછી ઘુસણખોરે સૈફ અલી ખાનને છરીના છ ઘા માર્યા હતા અને ગુનાના સ્થળેથી ભાગી ગયો હતો. લીલાવતી હોસ્પિટલના નિવેદનમાં જણાવાયું હતું કે છરીના છમાંથી બે ઘા ઊંડા છે અને કરોડરજ્જુની નજીક છે.
સૈફ અલી ખાનના ઘરે કામ કરતા ત્રણ નોકરોની પોલીસ પૂછપરછ ચાલુ કરી હતી. સૈફ અલી ખાનની ટીમના સત્તાવાર નિવેદન મુજબ સૈફ અલી ખાનના ઘરે ઘરફોડ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે હાલમાં હોસ્પિટલમાં સર્જરી હેઠળ છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવાની વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને પરિસ્થિતિ વિશે અપડેટ રાખીશું.
