લંડનના મેયર સાદિક ખાને મંગળવારે યોજાયેલ એક બેઠકમાં ઇયુના રાજદૂત અને 27 સભ્ય દેશોમાં યુકેના રાજદૂતોને કહ્યું હતું કે ‘’બ્રેક્ઝિટ એક ભૂલ હતી અને હું ઇયુ બ્લોક સાથેના સંબંધોને મજબૂત બનાવવા માંગું છું.’’
તેમણે યુકે સરકારને હિંમતવાન બનવા હાકલ કરવા સાથે દલીલ કરી હતી કે આ પગલુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધમકી આપવામાં આવેલા ટેરિફ સામે કાર્ય કરશે.
મેયર ખાને રાજદૂતોની બેઠકમાં કહ્યુ હતું કે ‘’ગતિશીલતા યોજના યુવાનો અને અર્થતંત્રને લાભ કરશે. બ્રિટનના ઇયુ યુનિયનમાંથી બહાર નીકળવાની દેશ અને તેની રાજધાની પર નકારાત્મક અસર ચાલુ રહી છે અને વચન આપું છું કે હું નજીકના જોડાણ માટે રજૂઆત કરીશ.’’
ખાને કહ્યું હતું કે ગાઢ સંબંધો માટેના સરકારના દબાણને સમર્થન આપું છું. આનાથી સમગ્ર યુરોપમાં આર્થિક વિકાસમાં મદદ મળશે. આંતરરાષ્ટ્રીય બાબતો માટે વાસ્તવિક ખતરો ઉભો કરતા ટેરિફ સહિત અનેક સહિયારા પડકારોનો સામનો કરવા માટે સાથે આવવા વિનંતી કરતા કહ્યું હતું કે મજબૂત યુકે-ઇયુ સંબંધો ટ્રમ્પ ટેરિફ સામે કાર્ય કરી શકે છે.
બ્રેક્ઝિટના પાંચ વર્ષ પછી, સ્ટાર્મરની સરકારે EU સાથેના સંબંધોને ફરીથી સેટ કરવાને પ્રાથમિકતા તરીકે વર્ણવ્યું છે, પરંતુ તેમણે સિંગલ માર્કેટમાં પાછા ફરવા, કસ્ટમ્સ યુનિયનમાં ફરીથી જોડાવા અથવા ચળવળની સ્વતંત્રતાને મંજૂરી આપવાની શક્યતાને નકારી કાઢી છે.
તેમણે બ્રસેલ્સ તરફથી બ્લોકના 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને યુકેમાં રહેવા, અભ્યાસ કરવા અને કામ કરવાની મંજૂરી આપવાની નવી યોજનાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
