ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) શનિવારે મુંબઈમાં એક સમારંભમાં સચીન તેંડુલકરનું સી.કે. નાયડુ ટ્રોફી સાથે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કર્યું હતું.
ભારતના સૌપ્રથમ ટેસ્ટ સુકાની સી.કે. નાયડુની યાદમાં બીસીસીઆઈએ 1994માં લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવાનું શરૂ કર્યું હતું. સચીન તેડુલકર આ એવોર્ડ મેળવનારો 31મો ભારતીય ક્રિકેટર છે. 51 વર્ષનો સચીન તેંડુલકર ભારત માટે 200 ટેસ્ટ અને 463 વન-ડે રમી ચૂક્યો છે. ટેસ્ટ અને વન-ડેમાં આજે પણ સૌથી વધુ સદી અને રનનો રેકોર્ડ તેના નામે બોલે છે. તેણે ટેસ્ટમાં 15,921 રન અને વન-ડેમાં 18,426 રન કર્યા છે, જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. બીસીસીઆઈએ 2023માં રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને લાઇફટાઇમ એન્જિનિયર એવોર્ડ આપ્યો હતો. સચીન તેંડુલકર ફક્ત ક્રિકેટ આઇકોન જ નથી, લાખો યુવાનો માટે આદર્શ, પ્રેરણામૂર્તિ છે. એક પેઢી તેને રમતો જોઈને ઉછરી છે. 1989માં ફક્ત 16 વર્ષની ઉંમરે ક્રિકેટનો પ્રારંભ કર્યા પછી બે દાયકા સુધી તે ભારતનો ટોચનો ક્રિકેટર રહ્યો હતો. 2011માં વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો તે સભ્ય હતો. તેણે એ જ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન પણ કર્યા હતા. તે ભારત વતી છ વર્લ્ડ કપમાં રમ્યો હતો.