બેલારૂસની એરિના સબાલેંકા ગયા સપ્તાહે યુએસ ઓપન ટેનિસની મહિલા ચેમ્પિયન બની હતી. તેણે ફાઈનલમાં અમેરિકાની જેસિકા પેગુલાને સીધા સેટ્સમાં 7-5, 7-5થી હરાવી હતી. તો ઈટાલીનો જાન્નિક સિન્નર ચેમ્પિયન બન્યો હતો. તેણે પણ અમેરિકન હરીફ ટેલર ફ્રિટ્ઝને 6-3, 6-4, 7-5થી ફાઈનલમાં હરાવ્યો હતો. એરિનાએ એક કલાક 53 મિનિટના જંગમાં જેસિકા પેગુલાને હરાવી હતી.
26 વર્ષની આ બેલારૂસની ખેલાડી સબાલેંકા માટે 2024માં આ તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ અને એકંદરે પાંચમું ગ્રાંડ સ્લેમ ટાઈટલ છે. અગાઉ તે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટાઈટલ વિજેતા રહી હતી.
તો પુરૂષોની સિંગલ્સમાં 23 વર્ષનો જાન્નિક સિન્નર ચેમ્પિયન બન્યા પછી આ વર્ષે એક વિશિષ્ટ યોગાનુયોગ સર્જાયો હતો, જેમાં 1993 પછી પહેલીવાર વર્ષના ચારેય ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ 23 વર્ષના કે તેથી નાની વયના ખેલાડીઓને મળ્યા હતા. સિન્નરનો હરિફ અમેરિકાનો ફ્રિટ્ઝ 2006 પછી ફાઈનલમાં પહોંચેલો પ્રથમ સ્થાનિક ખેલાડી રહ્યો. સિન્નરનું આ વર્ષનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે.