
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના મજબૂત સંબંધોની પુનઃપુષ્ટિ કરીને અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં નવુ જોમ ઉમેરી તેમની યુકે મુલાકાત પૂર્ણ કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં સોમવારે જણાવાયું હતું કે શ્રી જયશંકરે તેમના પ્રવાસમાં ઘણી ઉચ્ચ-સ્તરીય બેઠકોમાં ભાગ લીધો હતો. જેમાં ચેવેનિંગ હાઉસ ખાતે ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી સાથે “વ્યાપક” વાટાઘાટો, બ્રિટિશ વડા પ્રધાન કેર સ્ટાર્મર, નાયબ વડા પ્રધાન એન્જેલા રેનર, બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ અને હોમ સેક્રેટરી હ્વવેટ કૂપર સાથેની ચર્ચાઓનો સમાવેશ થાય છે.
યુકેની મુલાકાતમાં બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદઘાટન અને સરકાર, બિઝનેસીસ, શિક્ષણ અને ભારતીય ડાયસ્પોરાના મુખ્ય હિસ્સેદારો સાથેના જોડાણોનો પણ સમાવેશ થાય છે.
વિદેશ વિભાગે જણાવ્યું હતું કે “આ મુલાકાતે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના મજબૂત સંબંધોને પુનઃપ્રતિષ્ઠિત કર્યા છે, ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ગતિ દાખલ કરી હતી. તેમણે વિકસતા વૈશ્વિક પરિદૃશ્યમાં રાજકીય, આર્થિક અને લોકો-થી-લોકોના સહયોગને મજબૂત બનાવવાની બંને રાષ્ટ્રોની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે.”
ગયા અઠવાડિયે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે શ્રી જયશંકરની પીએમ સ્ટાર્મર સાથેની વાટાઘાટોના ચોક્કસ સંદર્ભમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં “સકારાત્મક ગતિ” નોંધી હતી, ખાસ કરીને મુક્ત વેપાર કરાર (FTA) વાટાઘાટો ફરી શરૂ થવા બાબતે ચર્ચા કરી હતી. તેમણે ટેકનોલોજી સહયોગને મજબૂત બનાવવા, લોકો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને યુક્રેન સંઘર્ષ સહિત મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.”
ફોરેન સેક્રેટરી લેમી સાથેની તેમની વાતચીત દરમિયાન, જયશંકરે ભારત-યુકે સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમને આવરી લીધા હોવાનું કહેવાય છે, જેમાં વ્યૂહાત્મક સંકલન, રાજકીય સહયોગ, વેપાર વાટાઘાટો, શિક્ષણ, ટેકનોલોજી, ગતિશીલતા અને લોકો વચ્ચેના આદાનપ્રદાનનો સમાવેશ થાય છે.
એમઈએએ જણાવ્યું હતું કે “બન્ને નેતાઓએ બંને પક્ષો દ્વારા ચર્ચાઇ રહેલા નવા રોડમેપ 2.0 પર પ્રગતિની સમીક્ષા કરી હતી જે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊર્જા અને નવી ગતિ આપશે. તેમણે યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયા, બાંગ્લાદેશ અને કોમનવેલ્થ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.”
બંને પક્ષોએ વેપાર અને રોકાણની તકો વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હોવાનું કહેવાય છે, વેપાર અવરોધો ઘટાડવા અને બજાર ઍક્સેસ વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
બે નવા કોન્સ્યુલેટ અંગે, MEA એ જણાવ્યું હતું કે આ પગલાથી ભારતીય ડાયસ્પોરાની લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થઈ છે, ભારતના રાજદ્વારી સંપર્કને મજબૂત બનાવવામાં આવ્યો છે અને યુકે સાથે વેપાર, વ્યવસાય, ટેકનોલોજી અને શૈક્ષણિક જોડાણોને વધારવા માટે ભારતની હાજરીને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
જયશંકર તેમના સમકક્ષ ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી દ્વારા આયોજિત ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમની મુલાકાતે ગયા હતા અને ટોટનહામ વિરુદ્ધ બોર્નમથ ફૂટબોલ મેચ જોઇ હતી.
