ચેક બિલિયોનેર ડેનિયલ ક્રેટિન્સકી દ્વારા ખરીદવામાં આવનાર રોયલ મેઇલ આવતા વર્ષે ફેબ્રુઆરીથી બિઝનેસમાં ભારે ફેરફાર સાથે લગભગ એક મિલિયન ઘરોમાં શનિવારે સેકન્ડ-ક્લાસ પોસ્ટની ડીલીવરી કરવાનું બંધ કરનાર છે. ફર્સ્ટ-ક્લાસ અને પાર્સલની ડિલિવરી હજુ પણ અઠવાડિયામાં છ દિવસ કરવામાં આવશે.
આ ટ્રાયલ રોયલ મેઇલની 1,200 ડિલિવરી ઓફિસમાંથી માત્ર 37માં શરૂ કરાશે, જે લગભગ એક મિલિયન ઘરોને અસર કરશે. ચોક્કસ સ્થાનો જાહેર કરાયા નથી પરંતુ સમગ્ર દેશમાં એક સમાન ફેલાવો સુનિશ્ચિત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ રોયલ મેઇલના 12 પ્રદેશોમાંના દરેકમાં લગભગ ત્રણ ડિલિવરી ઑફિસને અસર કરે તેવી અપેક્ષા છે.
હાલમાં રોયલ મેઇલ માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન હેઠળ યુકેમાં તમામ 32 મિલિયન એડ્રેસ પર અઠવાડિયામાં છ દિવસ પત્રો પહોંચાડવા આવશ્યક છે. પરંતુ પોસ્ટલ સેવા ચાર વર્ષથી પ્રતિદિન £2 મિલિયન સુધીનો ખર્ચ થાય છે એમ કહી પરિવર્તન માટે લોબિંગ કરી રહી છે. પત્રોનું પ્રમાણ 2004-5માં વાર્ષિક 20 બિલિયન હતું જે હવે ઘટીને વાર્ષિક માત્ર 6.7 બિલિયન થઈ ગયું છે.
વૉચડોગ ઑફકોમ આવતા વર્ષની શરૂઆતમાં દર બીજા કામકાજના દિવસે સેકન્ડ ક્લાસ પત્રો પહોંચાડવાના પ્રસ્તાવ પર પરામર્શ શરૂ કરનાર છે. આ સમરમાં અંતિમ નિર્ણય લેવાય તેવી અપેક્ષા છે અને ફેરફારો પછી 2026માં રાષ્ટ્રીય સ્તરે તે રોલ આઉટ થઈ શકે છે. આ નિર્ણયને આગળ ધપાવવા માટે સંસદે કાયદામાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.
રોયલ મેઇલના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ઓફકોમના નવા નિયમો અમલમાં આવશે તો જ અમે અમારા નવા ઓપરેટિંગ મોડલને અમલમાં મૂકવાનું વિચારીશું. ત્યાં સુધી, વર્તમાન નિયમનકારી માળખું યથાવત છે અને કોઈપણ દરખાસ્તો ફેરફારને પાત્ર છે.’